• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    April 2024
    M T W T F S S
    1234567
    891011121314
    15161718192021
    22232425262728
    2930  
  • People till date enjoyed our raindrops

    • 47,289 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

ફિલ્મી સફર

ઘ………………………….ણા વખતે ફરીથી આજે હાજર છીએ. Hope everyone is safe and healthy with their loved ones too. તો, આજે એક નવા લેખકને અમે કી-બોર્ડ આપીએ છીએ. એ આપણા બ્લોગ પર ફિલ્મી સફર કોલમ અંતર્ગત આપણને ફિલ્મો અને એની વિશેની વિગતોનો આસ્વાદ કરાવશે.

આજે અહીં એવી ત્રણ અભિનેત્રીઓની વાત કરવી છે કે જેમણે દરેકે ફક્ત અને ફક્ત કોઈ એક જ નિર્માતાની ફિલ્મો કરી અથવા કેવળ એક જ અભિનેતા સાથે કામ કર્યું હોય, અન્ય કોઈ બહારના બેનરમાં એક પણ ફિલ્મ ન કરી હોય.

સંધ્યા કે જેમણે ફક્ત નિર્માતા નિર્દેશક વ્હી શાંતારામની જ ફિલ્મો કરી.
કલ્પના કાર્તિક કે જેમણે દેવ આનંદ સાથે જ કામ કર્યું.
પ્રિયા રાજવંશ કે જેમણે ફક્ત ચેતન આનંદની જ ફિલ્મો કરી.

આ ત્રણે ય અભિનેત્રીઓની સરખામણી એક મેક સાથે કરવી શક્ય નથી. તે તમામની પારિવારિક, અભ્યાસ કે અભિનયની બાબતો એ બધું દરેકથી અલગ રહ્યું છે. તેમનાં દેખાવ, તેમણે પડદા ઉપર ભજવેલ ભૂમિકા કે તેમણે જેમાં અભિનયનાં ઓજસ પાથર્યા તેવી ફિલ્મોની સંખ્યા એ બધું અલગ બાબત બની જાય છે. તેમની એકબીજા સાથે કોઈ સરખામણી થઇ શકે તેમ નથી, તો પછી તફાવતની તો વાત જ ન થાય ને ? આમ છતાં આ ત્રણેય ને અહીં એક સાથે લેવાનું કારણ ઉપર જણાવ્યું તે એ જ છે કે આ દરેકે ફક્ત ને ફક્ત એક જ નિર્માતા સાથે અભિનય કર્યો. અને એક કારણ એ પણ ખરું કે આ અભિનેત્રીઓ આ નિર્માતા નિર્દેશક સાથે અંગત સંબંધોથી જોડાયેલ હતી. સંધ્યા એ શાંતારામની ત્રીજી પત્ની બની, કલ્પના કાર્તિક અને દેવઆનંદ ફિલ્મ ટેક્સી ડ્રાઈવરના સેટ ઉપર જ પરણ્યાં અને પરિણીત ચેતન આનંદે પ્રિયા રાજવંશને નામ વગરના સંબંધે બાંધેલી રાખી. તેણે એક ફ્લેટ ભેટમાં આપ્યો અને આર્થિક મદદ કરતા રહેલા. માણસો જેને રૂપ કહે છે તે બાબતે આ સૌ અભિનેત્રીને રૂપાળી કહી શકાય, પણ અભિનય બાબતે બધાની માફક તેઓની પણ મર્યાદા રહી છે. આ લખાય છે ત્યારે સંધ્યા અને કલ્પના વયોવૃદ્ધ થયાં છે અને કુદરતે પ્રિયાને તે તક ન આપી. ઉપરાંત કરુણતા એ છે કે પ્રિયાનું અવસાન કોઈ માંદગી કે અકસ્માતને કારણે નથી થયું, પણ મિલકતના મુદ્દે તેણીની ઠંડે કલેજે હત્યા કરવામાં આવેલી. આમ આ રીતે જોઈએ તો આ ત્રણ પૈકી અત્યારે કોઈ સક્રિય નથી.

સૌથી પ્રથમ સંધ્યા વિષે વાત કરીએ.


૨૭/૦૯/૧૯૩૮ ના દિવસે કોચીમાં એક દેશમુખ અટક ધરાવતાં મરાઠી પરિવારમાં તેમનો જન્મ થયો. નામ રખાયું વિજ્યા. ૧૩/૧૪ વર્ષની વયે લગભગ ૧૯૫૧ની સાલમાં તેમનું ધ્યાન છાપામાં આવેલી એક જાહેરાત ઉપર પડ્યું. વિજ્યા અને બહેન વત્સલાએ ધ્યાનપૂર્વક જાહેરાત વાંચી. જાણીતા નિર્માતા નિર્દેશક વ્હી. શાંતારામ ફિલ્મ ‘અમર ભૂપાલી’ બનાવવા માટે એક નવા તાજા મહિલા ચેહરાની શોધ કરતા હતા. અને રસ ધરાવનારે તેમને મળવા જવાનું હતું. સાથે જવાને બદલે વત્સલાએ વિજ્યાને મોકલી દીધી. વિજ્યાનો સ્ક્રિન ટેસ્ટ લેવાયો. વિજ્યાએ કોઈ નૃત્યની તાલીમ નહોતી લીધી. શાંતારામને કોઈ ખાસ સંતોષ ના થયો. પરંતુ વિજ્યાનો અવાજ તેમને સ્પર્શી ગયો. નૃત્ય તો શીખી શકાય. ગુણવંતીના પાત્ર માટે વિજ્યા દેશમુખ પસંદ થઈ ગઈ. અને પડદા માટે શાંતારામે તેને નામ આપ્યું સંધ્યા ! અને ‘અમર ભુપાલી’ (૧૯૫૨)ની સફળતાએ સંધ્યા ખીલી ઉઠી.

૧૯૫૨ માં જ પ્રણય ત્રિકોણ ધરાવતું ‘પરછાંઈ’ આવ્યું. શાંતારામ પોતે તેમાં હીરો હતા અને તેમની પત્ની જયશ્રી અને ત્રીજો ખૂણો તે સંધ્યા. સિલસિલાના વર્ષો પહેલાં ‘પરછાંઈ’ આવેલું, તેમાં શાંતારામે અંધ વ્યક્તિની ભૂમિકા અદા કરેલી. આ ફિલ્મમાં સંધ્યાનું નામ કિશોરી હતું. અપની કહો, કુછ મેરી સુનો, ક્યા દિલ કા લગાના ભૂલ ગયે..ગીત વખતે સંધ્યાના નૃત્યના સ્ટેપ્સ યાદ છે ને ? ૧૯૫૩ની ફિલ્મ ‘તીન બત્તી ચાર રાસ્તા’ માં શ્યામ યુવતી શ્યામા કોકિલની વાર્તા હતી પણ ૧૯૫૫ ની *તમારા ભાઈ ! તમારા ભાઈ પાયલ બાજે..! * કે *જનક જનક પાયલ બાજે!!!!? માં સંધ્યાએ નૃત્યાંગના નીલાનું પાત્ર ભજવેલું. આમાં તે કથ્થક કરે છે. વાસ્તવમાં તેણીએ નૃત્યની પદ્ધતિસર તાલીમ લીધી નહોતી, તેથી નૃત્ય નિર્દેશક અને તે ફિલ્મના હીરો ગોપીકૃષ્ણ પાસેથી તેણે આકરી તાલીમ લીધી. રોજના અઢાર કલાક સાધના ચાલતી. આ એક સીમા ચિહ્ન રૂપ ફિલ્મ બની રહી. ચાર ફિલ્મફેર એવોર્ડ અને એક નેશનલ એવોર્ડ આ ફિલ્મે અંકે કરેલા. ૧૯૫૮ની ‘દો આંખે બારહ હાથ એ પ્રયોગલક્ષી ફિલ્મ હતી. હત્યારા બંદીવાન માટે ઓપન જેલનો પ્રગતિકારક વિચાર એ સમયે કેટલો એડવાન્સ ગણાય નહીં ? રમકડાં વેચતી બાઈની ભૂમિકામાં આ ચંપાએ પ્રાણ પૂરેલા. ૧૯૫૯માં આવેલ નવરંગ એ હિન્દી સિનેમા ઉદ્યોગનું સુવર્ણ પૃષ્ઠ ગણાય છે. જમુના નામની સાદી ગૃહિણીમાં તેના પતિને મોહિની નાં દર્શન થાય છે. આઝાદી પહેલાં શાંતારામે બનાવેલ ફિલ્મ શકુંતલા ની રીમેક “સ્ત્રી” ૧૯૬૧માં બનાવી, જેમાં સંધ્યા શકુંતલા બનેલી. ૧૯૬૩ માં *સેહરા, ૧૯૬૬ માં લડકી સહ્યાદ્રી કી, ૧૯૭૧ માં જલ બિન મછલી નૃત્ય બિન બીજલી અને ૧૯૭૨ માં પીંજરા એ સંધ્યાનું આખરી ચિત્ર. પછી નિવૃત્તિ લીધી અને જાહેરમાં આવવાનું બંધ કરી દીધેલું.

શાંતારામે ત્રણ લગ્ન કરેલાં. પ્રથમ પત્ની વિમલા. તેમનાંથી પ્રભાત, સરોજ અને ચારુશીલા એમ ત્રણ સંતાન. પછી તેમનાં જીવનમાં જયશ્રી આવી જેણે ડૉક્ટર કોટનીસ કી અમર કહાની અને પરછાંઈ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. જયશ્રી દ્વારા તેમને કિરણ નામે પુત્ર અને રાજશ્રી અને તેજશ્રી એમ બે પુત્રીઓ પ્રાપ્ત થઇ. સંધ્યાને કોઈ સંતાન નથી. રંજના દેશમુખ એ તેમની ભત્રીજી. તેણે ચાની ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવેલું. સંધ્યાને અન્ય નિર્માતાઓ તરફથી કામ કરવા ઓફરો આવતી, પણ ક્યારે ય કોઈ ઓફર સ્વીકારી નહિ. આજે તો સાવ વૃદ્ધ બની ગયાં છે અને જીવન વ્યતિત કરી રહ્યાં છે.

દેવઆનંદનાં જીવનસખી કલ્પના કાર્તિક વિષે જોઈએ.


૧૯/૦૯/૧૯૩૧ ના રોજ લાહોરમાં ખ્રિસ્તી પરિવારમાં જન્મેલ મોના સિંઘ અને પરિવાર દેશનાં ભાગલા થતાં સીમલા આવી ગયેલા. પાંચ ભાઈઓ બહેનોમાં મોના સૌથી નાની. સીમલાની સેન્ટ બેડ્સ કોલેજમાં ભણતી આ યુવતીએ સૌન્દર્ય સ્પર્ધામાં મિસ સીમલા નો ખિતાબ જીતેલો. ફિલ્મ નિર્માતા ચેતન આનંદનું ધ્યાન, આ યુવતી ઉપર પડ્યું. અને એ સહજ હતું. એક તો તેમને હવે પછીની ફિલ્મ આંધિયા માટે નવો ચેહરો જોઈતો હતો અને તેમનાં પત્ની ઉમા આનંદની માતા, આ રૂપાળી મોનાની કઝીન થતી હતી. ફિલ્મ બાઝી માં મોનાને પ્રથમ બ્રેક મળ્યો. ચેતન આનંદે મોનાને ફિલ્મી પડદા માટે નામ આપ્યું કલ્પના કાર્તિક (આ અગાઉ ચેતને ઉમા કશ્યપને ‘કામિની કૌશલ’ બનાવી હતી, તે જાણ સારું.) બાઝી નું દિગ્દર્શન દેવના મિત્ર ગુરુદત્તે કરેલું. દેવાનંદ-ગીતાબાલીના સાથ હેઠળ કલ્પના કાર્તિકની અભિનય સફરનો સરસ આરંભ થયો. ગીતાબાલીની જેમ કલ્પનાને પણ ગીતાદત્તનું પ્લે બેક મળ્યું અને બર્મન દાદાનું સંગીત ગુંજી ઉઠ્યું. બાઝી માં કલ્પના, ડોક્ટર રજની બની હતી. પછીના વર્ષે આવેલી, ફિલ્મ આંધિયાં માં કલ્પના સેકન્ડ લીડમાં હતી. આ ફિલ્મ ખાસ ચાલી નહોતી. ૧૯૫૩ ની ફિલ્મ હમસફર પણ દેવ સાથે જ હતી. ૧૯૫૪ માં ફિલ્મ ટેક્સી ડ્રાઈવરમાં સંગીત ક્ષેત્રે નામ કમાવવા વતનમાંથી મોહમયી નગરી મુંબઈમાં આવેલી માલાની ભૂમિકા કલ્પનાએ ભજવી. તે ગાળામાં સુરૈયાના ગળાડૂબ પ્રેમમાં પડેલ દેવઆનંદ, આજની ભાષામાં કહીએ તો બ્રેકઅપનો ભોગ બનેલો. દેવ-સુરૈયાને જાતિવાદી પરિબળોએ એક થવા ન દીધાં. સુરૈયાએ દેવને કહેવરાવ્યું કે,
“દુનિયા તેમને એક થવા નહિ દે, તેથી દેવે કોઈ યોગ્ય પાત્ર મેળવીને પરણી જવું”. સુરૈયાએ નક્કી કરી નાખેલું કે દેવ સિવાયના તમામ પુરુષો તેને માટે ભાઈ બાપ. સુંદર અને ટેલેન્ટેડ ગાયિકા અભિનેત્રી તૂટેલા હૃદય સાથે આજીવન અપરિણીત રહી પણ તેણે દેવને લગ્ન કરી લેવા કહેલું. તેથી ફટાફટ નિર્ણય લેનાર દેવે, ટેક્સી ડ્રાઈવરના સેટ ઉપર જ કલ્પના કાર્તિકને તેની સાથે જીવન જોડવા પૂછ્યું અને ‘હા’ આવતાં સેટ ઉપર જ તાબડતોબ લગ્ન કરી લીધાં. પછીના વર્ષે આવેલ ફિલ્મ હાઉસ નંબર ૪૪ માં પતિપત્ની બનેલાં દંપતીએ, હીરો હિરોઈન તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં ફૈલી હુઇ હૈ સપનોં કી રાહેં, આજા ચલ દે કહીં દૂર…કેવું ફિક્સ બેસી ગયું નહિ ? ૧૯૫૭ માં આવેલ ફિલ્મ ‘નૌ દો ગ્યારાહ’ એ તેમની છેલ્લી ફિલ્મ. પછી કલ્પનાએ નિવૃત્તિ લીધી. સુનીલ નામે દીકરો અને દેવીના નામે દીકરી એમ બે સંતાનોના ઉછેરમાં કલ્પનાએ ઘર સંભાળ્યું અને સમય મળતાં પડદા પાછળ રહીને ‘તેરે ઘર કે સામને’, ‘પ્રેમ પુજારી’, ‘શરીફ બદમાશ’, ‘હીરા પન્ના’ અને ‘જાનેમન’ જેવાં ફિલ્મોનાં નિર્માણની ધુરા સંભાળી.

જીવનના પાછલા વર્ષોમાં એ બે ભાગ્યે જ સાથે જોવાં મળતાં. કહેવાય છે કે કોઈ બાબતે કલહ થયો અને અબોલાની સ્થિતિ ઉભી થઇ. આમ છતાં એ બંનેમાંથી કોઈએ, કોઈને, ક્યારે ય કશુંય કહ્યું નહિ, તે એ બંનેની ખાનદાની દર્શાવે છે. દેવ આનંદના અવસાન પછી હાલ તેઓ મુંબઈમાં પુત્ર સાથે પાછલી અવસ્થાનાં દિવસો પસાર કરી રહ્યાં છે. એક વિશેષ માહિતી એ છે કે દેવઆનંદ અને સુનીલદત્ત ફેમીલી ફ્રેન્ડ હતાં. દેવ કલ્પના અને સુનીલ નરગીસ અવારનવાર મળતાં રહેતાં. તેમનાં આ સંબંધને કારણે દેવને ત્યાં પુત્ર જન્મ્યો તેનું નામ પણ સુનિલદત્ત પરથી જ સુનીલ રાખવામાં આવેલું. આ સુનીલ અભિનયમાં નિષ્ફળ ગયેલો તેથી સ્ટુડીઓ અને બેનર સંભાળે છે.

ત્રીજી દેવી વીરા સુંદર સિંઘ એટલે કે પ્રિયા રાજવંશ છે. ૩૦/૧૨/૧૯૩૬માં સિમલામાં જન્મેલ આ પંજાબી યુવતી, એ પણ ચેતન આનંદની શોધ. ફિલ્મી નામ આપવામાં તેઓ ચેતનવંતા હોવાથી આ યુવતીનું નામ આપ્યું પ્રિયા રાજવંશ. તમે એ નોંધ્યું ? કે ચેતન આનંદ પોતે એમના નામમાં બે શબ્દો ધરાવતા. ચેતન એક અને આનંદ બે. એટલે તેમણે જે અભિનેત્રીનાં નામ પડ્યાં એ બધાં બે શબ્દ વાળા રાખ્યાં. કામિની કૌશલ, કલ્પના કાર્તિક અને પ્રિયા રાજવંશ.

આપણા દેશ ઉપર ચીને ૧૯૬૨માં આક્રમણ કર્યું, ત્યારે યુદ્ધ ઉપર આધારિત ફિલ્મ હકીકત નું નિર્માણ ચેતને કર્યું અને તેમાં પ્રિયા રાજવંશને રજુ કરી. આમાં ચેતને લેખન અને દિગ્દર્શન પણ કર્યું. કાતિલ શિફાઈ અને મજરૂહ સુલતાનપુરીના ગીતોને મદનમોહનનું સંગીત મળ્યું. પ્રિયા ઉપર ફિલ્માવાયેલ ગીત જરા સી આહટ હોતી હૈ ઔર દિલ સોચતા હૈ, કહીં યે વો તો નહીં આજે ય લોકપ્રિય રહ્યું છે. ૧૯૭૦ની રંગીન ફિલ્મ હીરરાંઝા એ પંજાબની બહુ જાણીતી હીર અને તેના પ્રેમી રાંઝાની કરુણાંત કથા પર આધારિત હતી. આ એક જોતાં મલ્ટી સ્ટાર કાસ્ટની ફિલ્મ પણ હતી. મદનમોહને કૈફી આઝમીના ગીતોને સ્વર બદ્ધ કરેલાં. આ ફિલ્મના સંવાદો ગેય હતાં, જે કૈફીની કમાલ હતી. રાજકુમાર અને પ્રિયાની આ જોડીને પછીની બે ફિલ્મોમાં ચેતને રીપીટ કરેલી.

૧૯૭૩ માં ફિલ્મ હંસતે ઝખ્મ એટલે ચેતન આનંદનું બેનર. અહીં પણ નિર્માતા નિર્દેશક ચેતન પોતે હતા. યુવાઓનો માનીતો હેન્ડસમ નવીન નિશ્ચલ અને પ્રિયા સાથે જીવન અને બલરાજ સહાની હતા. ચેતન અને બલરાજ સહાની વર્ષો જૂનાં મિત્રો હોવાથી હકીકત હોય કે હંસતે ઝખ્મ કે પછી હિન્દુસ્તાન કી કસમ.. બલરાજ હોય જ. આ ફિલ્મમાં પણ કૈફી આઝમી અને મદન મોહનની જોડીએ સંગીત રસિકોને રીઝવી દીધાં હતાં. એ જ ગાળામાં બીજી એક યુદ્ધ આધારિત ફિલ્મ હિન્દુસ્તાન કી કસમ આવી. રાજકુમાર, પ્રિયા, અમજદ ખાન, અમરીશ પૂરી, બલરાજ સહાની એ બધાય ને ભેગા કરેલાં.

અગાઉ કરેલી ફિલ્મની રીમેક કરવાનું એક ઝનુન ઘણાં નિર્માતાઓ ધરાવતાં હોય છે. દેવ આનંદને સુરૈયા સાથે ચમકાવવા નવકેતનની સૌથી પહેલી ફિલ્મ અફસર બનાવી હતી. વર્ષો પછી આ અફસરને સાહિબ બહાદુર નામે ૧૯૭૭ માં દેવ આનંદ અને પ્રિયા રાજવંશને લઈને હિમાલય ફિલ્મ્સના નેજા નીચે ફરી બનાવી. દેવ અને ચેતન બન્ને આનંદ ભાઈઓનું સહિયારું સર્જન હતું અને દિગ્દર્શનનો દોર ચેતને સંભાળ્યો. મદનમોહન અને રાજેન્દ્રકૃષ્ણની જોડી અહીં સાવ નિષ્ફળ ગઈ. ઓમ પ્રકાશ, આઈ એસ જોહર જેવા જૂનાં અને અસરાની અને પેન્ટલ જેવાં નવાં કોમેડિયન લીધાં તો ય ફિલ્મમાં કોઈ ભલીવાર નહોતો. ૦૩/૦૪/૮૧ ને દિવસે રજુ થયેલ કુદરત ના નિર્માતા હતા.. બી એસ ખન્ના. ચેતન આનંદનું દિગ્દર્શન હતું. અહીં બીજા નિર્માતા હેઠળ ચેતને દિગ્દર્શન આપેલું. પુનર્જન્મની વાર્તા ધરાવતી ફિલ્મમાં સ્ટાર કાસ્ટ મોટી હતી. રાજેશ ખન્ના, હેમા માલિની, વિનોદ ખન્ના, રાજ કુમાર, પ્રિયા રાજવંશ, અરુણા ઈરાની વગેરે… આર ડી બર્મનના સંગીતે અને મોટા સ્ટારોએ ફિલ્મ સફળ કરી દીધી. ૧૯૮૬ ની હાથોં કી લકીરે એ પ્રિયાની છેલ્લી ફિલ્મ. સંજીવ કુમાર, ઝીનત અમાન, જેકી શ્રોફ, શોભા ખોટે, દીના પાઠક એ સૌ પ્રિયા સાથે હતાં. નિર્માતા નિર્દેશક ચેતન આનંદ અને સંગીત પ્યારે મોહન. આ ફિલ્મ બની કે નહિ, બની તો રજુ થઇ કે નહિ અને રજુ થઇ તો સફળ થઇ કે નહિ એ સંશોધનનો વિષય બને. પણ આ ફિલ્મના વાર્તા લેખક તરીકે નામ પ્રિયા રાજવંશનું બોલે છે !

ચેતન પરણેલા હતા, તેથી પ્રિયાને રહેવા તેમણે એક અલગ ફ્લેટ આપેલો. કોઈ નામ વગરનો તેમનો સંબંધ અને પ્રિયા પાછળ ખર્ચાતા નાણાં એ બધું ચેતન આનંદના દીકરાઓને નહિ રુચતું હોય. ચેતન હયાત હતા ત્યાં સુધી બાપ કમાઈ પર જીવનારા કંઈ બોલી શકે તેમ નહોતા. ચેતન આનંદના અવસાન પછી, એકલી રહેતી પ્રિયાને ઘેર પહોંચીને તેને રહેંસી નાખવામાં આવી. આ ખૂનનો આરોપ ચેતનપુત્રો પર આવ્યો. કોર્ટના કેસ તો યુગો સુધી ચાલે પણ પરણેલા પુરુષ પાછળ આખું આયખું કોઈ સ્ટેટ્સ વગર કાપવું કેટલું કપરું છે તે જગતે જોયું.

આ ત્રણ અભિનેત્રીઓ એવી રહી કે કોઈ એક જ બેનરને વળગેલી રહી. બહારના કોઈ નિર્માતા સાથે ક્યારે પણ કામ ના કર્યું. પરિણામે તેમની ફિલ્મી કારકિર્દી ટૂંકી રહી. પણ એક બાબત સરખી લાગે છે. તેમણે ઓછાં પણ જે કોઈ ગીતો મળ્યાં તે આજે પણ સંગીત ચાહકોના હોઠો ઉપર સફર કરે છે. પ્રિયાના આત્માની શાંતિ માટે અને સંધ્યા અને કલ્પનાના સારા સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ……

-મનહર શુક્લ

લેખક પરિચય:

નામ : મનહર રસિકલાલ શુક્લ
અભ્યાસ : બી કોમ.
જન્મ તારીખ : ૧૫ ઓગસ્ટ ૧૯૫૦
વ્યવસાય : બેંકની નોકરીમાંથી વય મર્યાદાથી નિવૃત્તિ.
ઈતર પ્રવૃત્તિઓ : અભ્યાસ કાળ દરમિયાન વાર્તા, કાવ્ય, નિબંધ અને નાટય લેખન. નાટય દિગ્દર્શન અને અભિનય. લેખન, કાવ્ય અને વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામો મેળવ્યાં.
પાદપૂર્તિ અને એક પાત્રિય અભિનયમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.
રેડિયો નાટક અને રેડિયો સીરિયલ ના એપિસોડ નું લેખન કાર્ય.
જુદા જુદા સામયિકોમાં સાંપ્રત સમયની વાતો, વાર્તાઓ અને લેખો પ્રગટ થયેલ છે.
હાસ્ય લેખન માટે સાપ્તાહિક કોલમ સમભાવ, મુંબઈ સમાચાર, અને જનસત્તા વર્તમાન પત્રોમાં લખી. આ સાપ્તાહિક કોલમનું કામ સતત પાંચ વર્ષ ચાલ્યું.
હાલમાં SBS બેંકના નિવૃત અધિકારીઓ દ્વારા બે ડિજિટલ મેગેઝિન daily base પર ચાલુ છે. તે પૈકી વિસ્મય. માં સિનેમા ઉપર અને સૃજન માં હાસ્ય લેખ રજૂ થતાં રહે છે.
ફિલ્મ સંગીત કાર્યક્રમો અંગે ભૂતકાળમાં સ્ક્રિપ્ટ લખવાનું કામ કરતો હતો.

May the force be with you-chapter 9 અ ન્યુ હોપ

ગયા એપિસોડ માં આપણે જોયું કઈ રીતે ડિઝની ની સ્ટાર વોર્સ ફિલ્મો એક સળંગ વિઝન ના અભાવે એક આઇકોનિક ફ્રેન્ચાઈઝ માંથી એક ફ્લોપ ટ્રાઈલોજી બનીને રહી. અને એનું કારણ હતું કેથેલિન કેનેડી ની અણઆવડત અને એક શો-રનર નો અભાવ. આટઆટલા ધબડકા છતાં સ્ટાર વોર્સ મહદંશે એનો ફેન બેઇઝ જાળવી શકી છે અને ધીમે ધીમે વધારી રહી છે એનું કારણ છે ફિલ્મો ની બહાર સ્ટાર વોર્સ ને “ચલાવી રહેલા” શો રનર્સ. એક જાણીતા ડિરેક્ટર જોન ફેવરાઉ અને બીજા સ્ટાર વોર્સ ને દિલ થી ચાહનારા એવા ડેવ ફિલોની. ડિઝની ના ધબડકા સામે આ બંને સ્ટાર વોર્સ માટે અ ન્યુ હોપ બની ને આવ્યા છે. ઈનફેક્ટ આ પોસ્ટ જોન ફેવરાઉ અને ખાસ તો ડેવ ફિલોની ના એપ્રિસિએશન ની પણ પોસ્ટ છે.

ખાસ નોંધ: પાછલા એપિસોડ માં જેમ સ્ટાર વોર્સ ની ફિલ્મો માટે સ્પોઈલર હતા એમ આ એપિસોડ માં સ્ટાર વોર્સ ની ત્રણ સિરીઝ “સ્ટાર વોર્સ ધ ક્લોન વોર્સ”, “સ્ટાર વોર્સ રીબેલ્સ” અને હજુ હમણાં આવેલી ધ મેન્ડેલોરિયન (સીઝન 1) ના સ્પોઈલર્સ હશે, એટલે આ પોસ્ટ પણ પોતાના જોખમે વાંચવા વિનંતી,

ડેવ ફિલોની અને જોન ફેવરાઉ: સ્ટાર વોર્સ માટેની ન્યુ હોપ.

2008 માં આયર્નમેન એ ધૂમ મચાવી દીધેલી. આ ફિલ્મે માત્ર રોબર્ટ ડાઉની જુનિયર ની કરિયર ને રી-લોન્ચ કરવા સિવાય માર્વેલ સ્ટુડિઓઝ અને માર્વેલ ના સિનેમેટિક યુનિવર્સ ને પણ લોન્ચ કર્યું હતું. આજની તારીખે માર્વેલ ક્રિએટિવિટી અને કમાણી માં જોરદાર હદે ચાલતું સિનેમેટિક યુનિવર્સ છે અને એની કોપી કરતા વોર્નર બ્રધર્સ કે યુનિવર્સલ પિક્ચર્સે પણ પોતાના ડીસી યુનિવર્સ કે (ધ મમ્મી, ફ્રેન્કેન્સ્ટાઇન જેવા હોરર પાત્રો વાળા) ડાર્ક યુનિવર્સ પણ ફેઈલ ગયા. પણ માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ચાલી ગયું અને ચાલી રહ્યું છે. અને એને કાયદેસર શરુ કરવા વાળી ફિલ્મ ના ડિરેક્ટર હતા જોન ફેવરાઉ. થોડા વર્ષો પછી જોન ફેવરાઉ એ જ ડિઝની ની એક ઓર ફ્રેન્ચાઈઝ, જેમાં ડિઝની ના ક્લાસિક એનિમેટેડ ફિલ્મોની લાઈવ એક્શન રીમેક ફિલ્મો બનતી હતી, એની બે સહુથી સફળ ફિલ્મો, જંગલ બુક(2016) અને લાયન કિંગ(2019). અને આ જોન ફેવરાઉ ના હાથે જ ડિઝની એ એના એક ઓર નવા અધ્યાય ની શરૂઆત કરાવી, એ અધ્યાય એટલે ડિઝની ની સ્ટ્રીમિંગ સર્વિસ ડિઝની પ્લસ અને એની પહેલી ઓરીજીનલ સિરીઝ ધ મેન્ડેલોરિયન.

ધ મેન્ડેલોરિયન ની પહેલી સીઝન નું એક પોસ્ટર

ધ મેન્ડેલોરિયન માં ડીન જારિન (Din Djarin) નામના એક બાઉન્ટી હન્ટર ની વાર્તા છે. બાઉન્ટી હન્ટર એટલે એવો વ્યવસાય કે જેમાં કોઈ એક વ્યક્તિ કે ટાર્ગેટ ઉપર એક ઇનામ જાહેર થાય, આ ઇનામ એ વ્યક્તિ ને મારી નાખવા કે જીવતો પકડીને લાવવા માટેનું હોય, આ એક જાહેર ઇનામ હોય અને જે આ વ્યક્તિ કે ટાર્ગેટ ને પહેલા પકડી ને ઇનામ આપવા વાળા પાસે લાવે એને મોટી રકમ ઇનામમાં મળે. ડીન જારિન એક કુશળ બાઉન્ટી હન્ટર હોય છે અને બાળપણથી જ મેન્ડેલોરિયન નામની એક લડાકુ જાતિએ દત્તક લઈને ટ્રેઈન કરેલો હોય છે. આ વાર્તા સ્ટાર વોર્સ એપિસોડ 6 ધ રિટર્ન ઓફ ધ જેડાઈ ના પાંચ વર્ષ પછી ની છે, જેમાં લગભગ બધા મેન્ડેલોરિયન નો એમ્પાયર દ્વારા નાશ કરવામાં આવ્યો હોય છે. અમુક જીવતા રહેલા મેન્ડેલોરિયન આખી ગેલેક્સી માં વેર વિખેર છુપાતા ફરતા હોય છે અને ડીન જારિન એક જ એક્ટિવ મેન્ડેલોરિયન હોય છે.

એક મિશન તરીકે મેન્ડેલોરિયન ને એમ્પાયર ના એક “ક્લાયન્ટ” પાસે થી 50 વર્ષના એક “એસેટ” ને શોધી એ ક્લાયન્ટ સુધી લાવવાની બાઉન્ટી આપી હોય છે. એ 50 વર્ષ નું એસેટ એક નવજાત શિશુ નીકળે છે જે માસ્ટર યોડા ની પ્રજાતિ નું છે, (અને એ પ્રજાતિ જે 800-900 વર્ષ જીવતી હોય છે એના માટે 50 વર્ષ નું વ્યક્તિ એટલે સાવ બાળક જેવું લાગે.) એમ્પાયરના અને આ ક્લાયન્ટ ના આ શિશુ માટેના ઈરાદા સાફ ન હોવાની શંકા જતા મેન્ડેલોરિયન આ બાળકને ક્લાયન્ટ પાસેથી છીનવીને ભાગી જાય છે, અને સીઝન 1 માં એમ્પાયરના આ શિશુ (ધ ચાઈલ્ડ)ને મેળવવાના અને મેન્ડેલોરિયાનના આ ચાઈલ્ડ ને એમ્પાયરના હાથ માંથી બચાવવાના ધમપછાડા અને સાહસો ની વાર્તા છે.

મેન્ડેલોરિયન સીઝન 1 નું આકર્ષણ બની ગયેલું ધ ચાઈલ્ડ.

મેન્ડેલોરિયન ની પહેલી સીઝન જબરજસ્ત ઉપડી. અત્યારે આ લખાય છે ત્યારે બીજી સીઝનનો બીજો એપિસોડ આવી ગયો છે. અને આ બંને એપિસોડ ને જોરદાર આવકાર મળ્યો છે. ફેન્સ ને ડીન જારિન અને ધ ચાઈલ્ડ ના સાહસો ગમે છે. અને આ રિસ્પોન્સ એટલો સારો છે કે ત્રીજી સીઝન ની તૈયારીઓ પણ શરુ થઇ ચુકી છે, અને જે રીતે લોકો ને રિસ્પોન્સ મળે છે એ જોતા ત્રીજી સીઝન પણ આવીજ જોરદાર હશે.

અને એની પાછળ જોરદાર કારણ છે, એ જ કારણ જેના લીધે સ્ટાર વોર્સ ની ઓરીજીનલ ટ્રાઈલોજી ચાલી. સારી વાર્તા, પૌરાણિક તત્વો, જુના પાત્રો અને વાર્તાઓના કનેક્શન, આ આખી ગ્રાન્ડ સ્કીમ ને નજીક થી જોઈ રહેલા કોમન વ્યક્તિઓ અને આ બધા સાથે થઇ રહેલા નવીન અને અઘરા સાહસો. ફોર્સ ઓરીજીનલ ટ્રાઈલોજી માં પણ પૌરાણિક તત્વ હતું, અત્યારે પણ એવુજ છે. ત્યારે એમ્પાયર ના કકળાટ ને નજીક થી જોઈ રહેલા લોકો હતા, અત્યારે એ એમ્પાયર ગયા પછી ના ખાલીપા ને અને સર્જાયેલી અવ્યવસ્થા ને નજીક થી જોઈ રહેલા લોકો છે. ગેલેક્સી ના જાણીતા અને અજાણ્યા ગ્રહો, જૂની વાર્તાઓ માં બતાવેલા લોકો અને પ્રજાતિઓ આ બધું જ મેન્ડેલોરિયન માં છે.

મેન્ડેલોરિયન લોકોને ગમી એનું બીજું એક કારણ, જે લોકોને ઓરીજીનલ ટ્રાઈલોજી સાથે સાંકળી શકે છે. એ છે મેન્ડેલોરિયન ની પ્રેક્ટિકલ ઇફેક્ટ્સ. સામાન્ય રીતે ગ્રીન સ્ક્રીન સાથે શૂટ થતી હોલીવુડ ની ફિલ્મો થી અલગ મેન્ડેલોરિયન નવી રીતે શૂટ થઇ હતી, 360 ડિગ્રી એલ ઈ ડી વર્ચ્યુઅલ સેટ. ગ્રીન સ્ક્રીન માં એક્ટર્સ લીલા પડદા ની સામે રહી ને, અથવા લીલા કપડાં પહેરીને શૂટિંગ કરે છે અને એડિટિંગ ટેબલ ઉપર એક કરતા વધારે વારાઓ ની મદદ થી ડિજિટલ એન્વાયરન્મેન્ટ (જેમકે એવેંજર્સ ઇન્ફિનિટી વોર નો ટાઇટન ગ્રહ, અવતાર નું પેન્ડોરા કે ઇવન ચક દે ઇન્ડિયા નું ભરચક સ્ટેડિયમ, આ બધા ડિજિટલ એન્વાયરન્મેન્ટ ગણાય) અને આ એક્ટિંગ બધું ભેગું કરીને ફાઇનલ વિડીયો બનાવે છે. જયારે મેન્ડેલોરિયન માં ડિજિટલ એન્વાયરન્મેન્ટ પહેલા બનાવવામાં આવ્યું, એને સેટ પાર 360 ડિગ્રી માં એલ ઈ ડી પાર પ્રોજેક્ટ કરવામાં આવ્યું અને વચ્ચે એક્ટર્સ ને લઈને શૂટિંગ કરવામાં આવ્યું. આ ટેક્નિક માં મોબાઈલ અને પીસી ગેમિંગ માં વપરાતા અનરિયલ એન્જીન ની મદદ થી ડિજિટલ એન્વાયરન્મેન્ટ બનાવવામાં આવ્યું, અને એને એલ ઈ ડી સ્ક્રીન પર પ્રોજેક્ટ કરવામાં આવ્યું. આના લીધે એક્ટર્સ ને પણ એ પોતે આ એન્વાયરન્મેન્ટ માં હોય એવી અનુભૂતિ થઇ, અને સમય અને પૈસા ની પણ ઘણી બચત થઇ. આ 360 ડિગ્રી એલ ઈ ડી પ્રોજેક્શન વિષે એક સરસ વિડીયો અહીં મુકું છું.

આ ઉપરાંત ધ ચાઈલ્ડ ને ડીજીટલી બનાવવાને બદલે એનું પપેટ બનાવવામાં આવ્યું અને એને પપેટીયરિંગ અને એડવાન્સ્ડ એનિમેટ્રોનીક્સ ની મદદ થી એનું હલનચલન અને ઈમોશન્સ દેખાડવા માં આવ્યા હતા. આવી પ્રેક્ટિકલ ઇફેક્ટ્સ ના લીધે મેન્ડેલોરિયન લોકોને ગમી રહ્યું છે. સાથે સાથે લોકોને ગમી રહી છે એક્ટિંગ. આખી આઠ એપિસોડ ની સીઝન માં માત્ર બે મિનિટ માટે હેલ્મેટ ઉતારીને પોતાનો ચહેરો દેખાડવા છતાંય ડીન જારિન તરીકે પેડ્રો પાસ્કલ ની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી જામે છે, બીજા સપોર્ટિંગ એક્ટર્સ પણ જોરદાર છે. સિરીઝ નું રાઇટિંગ પણ એકદમ સરસ છે, વાર્તાને કઈ લઇ ન જતા બે ત્રણ ફિલર એપિસોડ પણ એટલા સરસ બન્યા છે જેટલા વાર્તા ને આગળ વધારતા મેઈન એપિસોડ્સ.

અને વર્લ્ડ બિલ્ડીંગ અને ફેન સર્વિસ (જેના નામે એપિસોડ 9: ધ રાઇઝ ઓફ સ્કાયવોકર માં આખો કબાડ ફેલાવ્યો હતો ડિઝનીએ). ટાટુઈન જેવી જૂની જગ્યાઓ હોય કે નેવારો જેવી નવી જગ્યાઓ, એ બધાને સરખો ન્યાય આપ્યો છે. ઉપરાંત ફેન સર્વિસ તરીકે વિડીયો ગેમ્સ અને નવલકથાઓ માં મુકેલા પાત્રો અને ટેકનોલોજીઓ ને સરસ ન્યાય આપ્યો છે, અને ઘણા પ્રશ્નો ના જવાબ પણ આપ્યા છે, (જેમકે સ્ટાર વોર્સ ના છઠ્ઠા એપિસોડ ધ રિટર્ન ઓફ ધ જેડાઈ માં સારલાક નામના વિશાળ પ્રાણી ના મોઢામાં જતા રહેલા ફેન ફેવરિટ પાત્ર બોબા ફેટ નું શું થયું?) અને એ પણ વાર્તા ના એક ભાગ રૂપે, આખી વાર્તા તરીકે નહિ. અને આ વાત ફેન્સ ને બહુ ગમી, મેન્ડેલોરિયન ના છઠ્ઠા પ્રકરણ (ચેપટર 6) માં એક નાનકડા પાત્ર માં મેટ્ટ લેટનર ને એક પાત્ર તરીકે દેખાડ્યો એ જોઈ ને ફેન્સ ખુશખુશાલ થઇ ગયા, કેમકે મેટ્ટ લેટનર સ્ટાર વોર્સ ની બીજી વખણાયેલી સિરીઝ ધ ક્લોન વોર્સ માં એનાકીન સ્કાયવોકરનો અવાજ છે. અને ધ ક્લોન વોર્સ મેન્ડેલોરિયન ના સહ-સર્જક અને જોન ફેવરાઉ કરતાંય વધારે લેજેન્ડરી સ્ટેટસ ધરાવતા ડેવ ફિલોની નું સર્જન છે.

ડેવ ફિલોની અને બેકગ્રાઉન્ડ માં ક્લોન વોર્સ ના ઓબી વાન કેનોબી અને એનાકીન સ્કાયવોકર

ડેવ ફિલોની પેન્સિલવેનિયા, અમેરિકા ના એક ગિક ફેમિલી માંથી આવે છે. એમના પિતા ઓપેરા અને ક્લાસિકલ સંગીત (વેસ્ટર્ન ક્લાસિકલ, જેમાં મોઝાર્ટ જેવા સંગીતકારો એ સંગીત આપ્યું છે) ના ફેન હતા. એના દાદા અને કાકા પાયલટ હતા અને જુના પ્લેન રીસ્ટોર કરવાનો શોખ ધરાવતા હતા. ફિલોની પોતે સ્ટાર વોર્સ ના જોરદાર ફેન હતા. પણ લુકાસફિલ્મ્સ માટે કામ કરતા પહેલા ફિલોની કિંગ ઓફ ધ હિલ, ટિમો સુપ્રીમો અને ડિઝની ની કિમ પોસિબલ જેવી સફળ સિરીઝ માટે એનિમેશન ડિપાર્ટમેન્ટ માં હતા.

2005 માં આવેલી અને વખણાયેલી નીકેલોડિયન ની અવતાર : ધ લાસ્ટ એરબેન્ડર એનિમેટેડ સિરીઝ (જેની છેલ્લી સીઝન પર થી મનોજ નાઈટ શ્યામલન ની ફિલ્મ બનેલી) ની પહેલી સીઝન અને એના પાત્રો ની ડિઝાઇન પર કામ કરેલું. બીજી સીઝન પર કઈ કામ શરુ થઇ શકે એ પહેલા ડેવ ફિલોની ને એનું સપનું સાકાર કરવાની એક જોરદાર તક મળી, એ પણ જ્યોર્જ લુકાસ તરફથી, એ ઓફર હતી ક્લોન વોર્સ ની પહેલી સીઝન પર કામ કરવાની.

સ્ટાર વોર્સ ધ ક્લોન વોર્સ 2008 માં શરુ થયું, 20 મિનિટ ના એક એવા 21-22 એપિસોડ ની એક એવી પાંચ સીઝન 2013 સુધી કાર્ટૂન નેટવર્ક પર પ્રસારિત થઇ, કાર્ટૂન નેટવર્ક માંથી કેન્સલ થયા પછી ફેન્સ એ એવી ચળવળ ચલાવી કે એની છઠ્ઠી અને “અંતિમ” સીઝન નેટફ્લિક્સ એ લઇ લીધી. નેટફ્લિક્સ પર પણ શો ની લોકપ્રિયતા જોઈ, વાર્તા ને એક પ્રોપર અંત આપવા માટે સાતમી અને અંતિમ સીઝન ડિઝની પ્લસ પર પ્રસારિત થઇ. અત્યારે ક્લોન વોર્સ ની સાતે સાત સીઝન ભારત માં ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રીમિયમ પ્લાન માં જોઈ શકાશે.

સ્ટાર વોર્સ ક્લોન વોર્સ સીઝન 7 નું પોસ્ટર

ક્લોન વોર્સ સ્ટાર વોર્સ ના એપિસોડ 2: ધ એટેક ઓફ ધ ક્લોન્સ અને અને એપિસોડ 3 રિવેન્જ ઓફ ધ સીથ ની વચ્ચે આકાર લે છે. એપિસોડ 2 ના અંત માં ક્લોન વોર્સ ની શરૂઆત થાય છે, અને એપિસોડ 3 ના પહેલા સીન માં ક્લોન વોર્સ નો અંત થાય છે. એ વચ્ચે ના ત્રણ વર્ષ માં જે રીતે આખી ગેલેક્સી રિપબ્લિક અને સેપરેટીસ્ટ વચ્ચે ના યુદ્ધ માં ફસાઈ હતી એની વાર્તા છે.

ક્લોન વોર્સ ને સ્ટાર વોર્સ ની એસ્ટાબ્લિશડ વાર્તાઓ અને પાત્રોનો ઘણો સાથ મળ્યો. રિપબ્લિક, સેપરેટીસ્ટ, જેડાઈ, સીથ અને એ લોકો વચ્ચે ના વર્ચસ્વ ની લડાઈ વચ્ચે ફસાયેલી આખી ગેલેક્સી. એક મજબૂત શરૂઆત અને એક જોરદાર અંત આ બધાનો ડેવ ફિલોની એ સરસ ફાયદો લીધો, અને એ પણ એક નોન-લિનિયર સ્ટોરી લાઈન થી. બે સીઝન વચ્ચે વાર્તાઓ એવી વહેંચાયેલી હતી કે પહેલી સીઝન ના પહેલા એપિસોડ ની પ્રિક્વલ ત્રીજી સીઝન ના કોઈ એપિસોડ માં હોય, બીજી સીઝનના એક એપિસોડ ના છેડા ચોથી સીઝન માં અડતા હોય, અને આવું પાંચ સીઝન માં ઘણું ચાલ્યું. અને એ દરમ્યાન લોકોને મળ્યું એક જોરદાર પાત્ર, એનાકીન સ્કાયવોકર ની શિષ્યા અહસોકા ટાનો.

અહસોકા ટાનો

શરૂઆત ની સીઝન માં એક ત્રાસદાયક ટીનેજર અહસોકા ચોથી સીઝન સુધીમાં એટલી ડેવલપ થઇ કે એ ફેન્સ અને ક્લોન્સ નો આદર મેળવતી થઇ ગઈ. અને પાંચમી સીઝન માં જયારે એ જેડાઈ ઓર્ડર છોડી ને જાય છે ત્યારે માત્ર એનાકીન ને જ નહિ, દર્શકો ને પણ દુઃખ થાય છે. ઉપરાંત અહસોકા રીબેલ્સ માં લોર્ડ વેડર સામે લડે છે એ પણ એક સરસ અને હૃદયદ્રાવક ફાઇટ હતી. આ ઉપરાંત ફિલ્મો માં એકાદ બે સીન પૂરતા દેખાડાયેલા પાત્રો ને બહુ સરસ ડેવલપ કર્યા છે, જેમ કે રિવેન્જ ઓફ ધ સીથ માં ઓબી વાન સામે લડતા જનરલ ગ્રિવસ ને બે ત્રણ સીઝન માટે મેઈન વિલન બનાવ્યો છે, અને એનું યુદ્ધ નું પ્લાનિંગ, ગમે એવી જોખમી પરિસ્થિતિ માંથી છટકી જવાની એની ટેલેન્ટ બહુ ડિટેઇલ માં દેખાડી છે.

ઉપરાંત આ સિરીઝ માં ઘણી અલગ અલગ વાર્તાઓ છે. જેમકે મેન્ડેલોર ની વાર્તા (હા, મેન્ડેલોર સ્ટાર વોર્સ સિક્વલ ટ્રાઈલોજી સિવાય બધે હાજરી પુરાવે છે, અને સિક્વલ ટ્રાઈલોજી ની કસર મેન્ડેલોરિયન એ પુરી કરી છે). જેડાઈ શિષ્યો કઈ રીતે પોતાની નવી લાઈટસેબર બનાવે છે, કઈ રીતે એક વિખુટા પડેલા ગ્રહ માંથી બચે છે, સીઝન 4 માં એક યુદ્ધ મેદાન માં ફસાયેલા અને કોઈ દુષ્ટ જેડાઈ ના લીધે ક્લોન્સ ની બે ટિમ એક બીજા ની સામે આવે છે, સીઝન 6 માં કઈ રીતે માસ્ટર યોડા મૃત્યુ પછી પણ ફોર્સ ઘોસ્ટ બનવાની ટ્રેનિંગ લે છે એ બધી મસ્ત અને મસ્ટ વોચ વાર્તાઓ છે. પણ ખરેખર મજા આવે છે, સ્ટાર વોર્સ એપિસોડ 1: ધ ફેન્ટમ મીનેસ ના મેઈન વિલન ડાર્થ મોઉલ ની વાર્તા, ત્રણ સીઝન માં જયારે જ્યારે ડાર્થ મોઉલ દેખાય છે ત્યારે ખરેખર મજા આવે છે. અને સીઝન 7 ની શરૂઆત માં દેખાતી બેડ બેચ, જેના પર થી એક નવી એનિમેટેડ સિરીઝ બનવાની છે.

ખાસ તો સીઝન 7, જેમાં છેલ્લા ચાર એપિસોડ ને એપિસોડ 3 ની સાથે સાથે પેરેલલી દેખાડ્યા છે. આ એક વાર્તાના તાણાવાણા જોડવાની સરસ રીત છે. એક તરફ ફિલ્મ માં ચાન્સેલર નું અપહરણ થાય છે અને એનાકીન સ્કાયવોકર સેપરેટીસ્ટ લીડર કાઉન્ટ ડૂકુ ની હત્યા કરે છે, અને અહીંયા સિરીઝ માં અહસોકા ટાનો અને ડાર્થ મોઉલ આની ચર્ચા કરે છે.સિરીઝમાં આખા 5-6 એપિસોડ ઓર્ડર 66 કઈ રીતે ક્લોન્સ માં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો એ બતાવે છે, અને એ ઓર્ડર 66 થી કઈ રીતે અહસોકા ટાનો બચે છે એ દેખાડ્યું છે. આમ ફિલ્મ અને સિરીઝ વચ્ચે ઝીણા ઝીણા તાણાવાણા સરસ ગુંથ્યા છે ડેવ ફિલોની એ, જે વાત ફિલ્મો માં સદંતર ખૂટતી હતી.

મેન્ડેલોરિયન એ સ્ટાર વોર્સ ની આબરૂ બચાવી લીધી છે. આ પહેલા ક્લોન વોર્સ અને સ્ટાર વોર્સ રીબેલ્સએ પણ સ્ટાર વોર્સ ની આબરૂ બચાવી હતી. અને એટલેજ એના ક્રીયેટર્સ જોન ફેવરાઉ અને ખાસ તો એના ય સિનિયર એવા ડેવ ફિલોની સ્ટાર વોર્સ ની ડૂબતી નૈયા બચાવી લેશે એવી ન્યુ હોપ છે. અને એના જ સેલિબ્રેશન તરીકે મે ધ ફોર્સ વિથ યુ સિરીઝ નો આ એપિસોડ નહિ, પણ મેન્ડેલોરિયન અને ક્લોન વોર્સ ની પ્રેરણા થી ચેપટર છે.

આ સાથે જ મે ધ ફોર્સ બી વિથ યુ નો અહીંયા અંત થાય છે. આ બ્લોગ ના પ્લેટફોર્મ પર હવે સ્ટાર વોર્સ ની ચર્ચા પુરી થાય છે, પણ સ્ટાર વોર્સ, મેન્ડેલોરિયન ક્લોન વોર્સ અને ડેવ ફિલોની ની વાર્તાઓ શરુ જ રહેશે. કેમકે લાઈફ શુડ ગો ઓન.

અને ધીસ ઇસ ધ વે….

અને સર્વ વાચકમિત્રો, એમના પરિવારજનો અને મિત્રો ને દિવાળી ની શુભકામનાઓ, પ્રભુ શ્રી રામ અને માતા લક્ષ્મી ની કૃપા આખા વિશ્વ પર સદાય બની રહે.