• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,302 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

Blogger Baatein-4

મિત્રો, ઘણા વખતે ‘બ્લોગર બાતેં ‘ માં આજે આપણે એવા મિત્રની સાથે ગોઠડી માંડવાના છીએ જેની સાથેનો પરિચય ફેસબુક-ઓરકુટ સમયના તમામ હમરીડરી દોસ્તોને અચૂક યાદ હશે. એક જમાનામાં જયારે ઓરકુટમાં અનેક નામી હસ્તીઓ ચંદ્રકાંત બક્ષી સાથેના પોતાના સંબંધો અંગે અલગ અલગ વાતો વહેંચતી હતી ત્યારે એક વ્યક્તિએ ચુપચાપ બક્ષીના નામે એક અલગ કોમ્યુનીટી બનાવી. એકલે હાથે આ વાંચકે બક્ષીના લખાણોને વિષયવાર ગોઠવ્યા, પરંતુ મહેન્દ્ર મેઘાણી દાદા જેમ અર્ક તારવીને વાંચનયાત્રા બનાવીને પીરસે છે, એજ રીતે આ માણસે બક્ષીની વાંચનયાત્રાનું નિર્માણ કર્યું. બક્ષીને અહિયાં વાંચીને બેશક લેખક તરીકે બક્ષી પર  માન ઉપજે, પરંતુ એ બધું ટાઈપ કરીને આપણી આંખો સુધી પહોંચાડનાર વ્યક્તિ સુધી પણ માન ઉપજ્યા વગર રહે નહીં.

આજે બ્લોગર બાતેં માં શ્રી નેહલ મહેતા પાસેથી એમના વાંચન અને સાહિત્ય વિશ્વ સાથેના અનુભવો જાણીશું….

 

૧. નેહલભાઈ, માઉન્ટ મેઘદૂત પર તમારું સ્વાગત છે. સૌપ્રથમ તો એ કહો કે તમારી વાંચનયાત્રા શરુ કેવી રીતે થઇ? બક્ષી સિવાય ક્યા ક્યા સર્જકોને ‘પણ’ તમે વાંચ્યા છે?અને સાથે સાથે એ પણ કહો કે કિસ મોડ પે બક્ષીના લખાણોનો આગાઝ થયો? 😛

જ: સાક્ષાત્કાર માટે સક્ષમ અને કાબિલે-ગુફ્તગો સમજવા બદલ તમારો આભાર. 🙂 નાનપણમાં ચિત્રકામ, સંગીત શીખવું, જૂની ફિલ્મોના ગીતો હાર્મોનિયમ પર સૅટ કરવા વગેરે પ્રવૃત્તિઓ તરફ વધારે ઝોક હતો. વાંચનમાં ચંપક અને ફૂલવાડી જેવા સામયિકોનું આગળપડતું સ્થાન હતું. લખાયેલા શબ્દોથી પહેલેથી બહુ પ્રભાવિત રહ્યો છું અને પ્રાથમિક ધોરણોમાં ગુજરાતી પાઠ્યપુસ્તકોની વાર્તાઓમાં “દુષ્ટ, અધમ, નીચ, પાપી” જેવા શબ્દો પકડીને જ્યારે પણ પરિવારમાં બહેનો તરફ ગુસ્સે થાઉં ત્યારે ગાળો તરીકે આવા શબ્દો બોલતો. :P પછી ચિત્રલેખા અને કૉલેજ સુધીમાં સફારીનો પરિચય થયો. સફારીનું ઘેલું એટલી હદે લાગેલું કે એ વખતે (1999માં) જૂના અંકો જેટલા સ્ટૉકમાં હતાં એ મનીઑર્ડર કરીને મંગાવી લીધેલાં. (એ પછીના કોઇ મહિનામાં જ્યારે સફારીનો નવો અંક આવ્યો અને ઉપલબ્ધ અંકોની ફરીથી છાપેલી અપડેટેડ યાદી જોઈ ત્યારે ઘણાંખરાં અંકો મેં ખરીદી લીધા હોવાથી નવી યાદીમાં એ અંકો નહોતા! :P)  ચિત્રલેખામાં સુરેશ દલાલની ઝલક કૉલમ અલગ તારવી લઈને બાઈન્ડિંગ કરાવતો. ટીનએજમાં હતો ત્યારે મારી બહેનના બી.એ. ના કોર્સમાં પન્નાલાલ પટેલની વાર્તાઓ આવતી એ વાર્તાઓ એ વખતે રસપૂર્વક વાંચી ગયેલો. ગુજરાતી સાહિત્યના ઉત્તમોત્તમ મશહૂર શેર-ઓ-શાયરી કે જે આજના જમાનામાં ઈન્ટરનેટ પર બધું ઉપલબ્ધ હોઈ અનુભવી વાચકને નવીન ન લાગે એ બધા શેર, કાવ્યપંક્તિઓ વાંચનના વિકાસશીલ તબક્કામાં અખબારની પૂર્તિઓમાં વાંચવામાં આવતાં અને એમાંથી ડાયરીમાં ગમતી પંક્તિઓ ટપકાવી લેતો. બક્ષીબાબુનો પરિચય તો મોડેમોડે 1999માં થયો જ્યારે ચિત્રલેખામાં વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં દોસ્તી-દુશ્મની પર સરસ અભ્યાસલેખ લખ્યો હતો. એમાં વિનોદ ભટ્ટ માટે બક્ષીબાબુનું એક વાક્ય કે “વિનોદ ભટ્ટ કૉમેડી લેખક છે એ ગુજરાતી સાહિત્યની ટ્રૅજડી છે,” એ વાંચીને જાગેલી ઉત્કંઠા બક્ષીબાબુના ચાહક બનવા તરફ લઈ ગઈ. એમનું સૌપ્રથમ વાંચેલું પુસ્તક “લગ્નની આગલી રાતે” હતું જે થ્રિલર છે. બક્ષીબાબુ સિવાય વાંચેલા અન્ય લેખકોમાં મધુ રાય, ગુણવંત શાહ, સૌરભ શાહ, વિનોદ ભટ્ટ, જ્યોતીન્દ્ર દવે, અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા મુખ્ય છે.

૨. અચ્છા, બક્ષી સાથેના કોઈ મુલાકાત કે એવા કોઈ સંસ્મરણો?

જ: એક દિવસ ધડકતાં હૈયે ફોન જોડીને એમની સાથે વાત કરી હતી એ મુખ્ય સંસ્મરણ. રૂબરૂ મુલાકાત ન થઈ એનો વસવસો તો કાયમ રહેશે.

૩. તમે અનુવાદક તરીકે પણ કામ કરો છો. એવામાં બક્ષી પરની કોમ્યુનીટી-બ્લોગ બનાવવા, લખાણોને વિષયવાર તારવવા આ બધા માટે સમય કેવી રીતે ફાળવો છો?તમારી દિનચર્યા જણાવશો?

જ: મારામાં વિષયવાર વર્ગીકરણ કરવાની આંતરસૂઝ ઠીકઠીક વિકસેલી છે. ઘરે બધાં પુસ્તકો, અખબારોમાંથી કાપીને સાચવેલા લેખો વગેરેને અલગ અલગ ફોલ્ડર, મોટા કવર કે કોથળીઓમાં વિષયવાર લેબલ પ્રમાણે સાચવીને રાખવાની આદત પહેલેથી રાખેલી છે એ કદાચ પરોક્ષ રીતે બ્લૉગ બનાવવામાં કામ લાગી છે. અનુવાદક તરીકે જો અખબારમાં નોકરી હોત તો રોજ છ-સાત કલાકના ચોક્કસ ટાઈમટેબલ પ્રમાણે જ કામ કરવું પડે અને ઈતર પ્રવૃત્તિઓ માટે સમય ન મળે, પણ હું ફ્રીલાન્સિંગ (સ્વૈરવિહાર) કરતો હોવાને કારણે અઠવાડિયાના એકાદ-બે દિવસો માટે નવરોધૂપ પણ હોઉં અથવા ક્યારેક સમયસર જમવાનો કે દિવસો સુધી બહાર નીકળવાનો સમય પણ ન મળે એવી અણધારી વ્યસ્તતા પણ આવે. ટૂંકમાં, કામકાજના કલાકો ફિક્સ હોતા નથી. ક્યારેક આવક ગુમાવવાના ભોગે પણ સખ્ત કંટાળાજનક વિષયોના પ્રોજેક્ટ્સ હાથ પર લેવાનો સ્પષ્ટ નનૈયો ભણી દેતો હોઉં છું. બક્ષીના લખાણો પ્રત્યેનું આકર્ષણ અને ગુજરાતી ટાઈપિંગમાં સડસડાટ ટાઈપ કરી શકવાની ક્ષમતાનું સંયોજન થાય તો પછી જોતજોતામાં બ્લૉગનું બોઘરણું છલકાઈ જાય એમાં નવાઈ શી? દિનચર્યામાં તો સવારે જાગીને ક્લાયન્ટના ઈ-મેલના જવાબ આપવા, સ્નાનાદિ, ચા-નાસ્તાથી પરવારીને કામ શરૂ કરવું, કામ ન હોય ત્યારે ઈતર સાહિત્યિક પ્રવૃત્તિઓ, નવા ખરીદેલાં પુસ્તકો પર નજર ફેરવવી, વ્યવસ્થિત ગોઠવણી કરવી, પત્નીને ઘરકામમાં નાનીમોટી મદદ, પુત્રને બહાર ફરવા લઈ જવો, બપોરના ભોજન-આરામ બાદ ફરી કામ, વ્યવહારિક કામો હોય તો બહાર આંટો મારી આવીને પૂરા કરવા, રાત્રે થોડું વાંચન, વગેરે. હવે ફિઝિકલ ફિટનેસની સખ્ત જરૂરિયાત વર્તાતી હોવાથી સાયક્લિંગ, સવારે ચાલવા જવું જેવી પ્રવૃત્તિઓને સામેલ કરવા માંગું છું.

૪. હવે જરા પોઈન્ટ બ્લેન્ક સવાલ. તમને લેખક બક્ષી વધુ ગમે કે વ્યક્તિ બક્ષી?

જ: વ્યક્તિ સાથે લખાણથી જ લગાવ થયો અને એ જ સ્વરૂપે એમનો પરિચય વધારે છે એટલે સ્વાભાવિકપણે લેખક બક્ષી વધુ ગમે, પણ એના કારણે એમના વ્યક્તિત્વના પાસાનું અવમૂલ્યન કરવાનો જરાય આશય નથી. હું રુબરુ મળ્યો ન હોવાથી એમના વ્યક્તિત્વના પાસા વિશે વધારે બોલવાનો અધિકારી નથી, પણ જે લોકો સંપર્કમાં આવ્યા છે અને એમના વિશે લખ્યું છે એમાંથી એમના વ્યક્તિત્વ વિશે મોટેભાગે સકારાત્મક ચિત્ર જ ઊપસે છે.

૫. હવે અંગત સવાલ. પરિવારને સમય આપવામાં વાંચન-અનુવાદ-બ્લોગ નડે છે? કેટલી હદે? 😉

જ: સવાલ આવો હોવો જોઈએ: વાંચન-અનુવાદ-બ્લૉગને સમય આપવામાં પરિવાર નડે છે? lolz…અનુવાદ તો આજીવિકાનું મુખ્ય સાધન છે એટલે જ્યારે જે તે ક્લાયન્ટની વિનંતી આવે ત્યારે સમય ફાળવીને બેસી જવું પડે અને એને કારણે જ ઈતર પ્રવૃત્તિઓનો ખર્ચ નીકળે. વાંચન પોતાના આનંદ માટે, અન્યો સાથે સારું વાંચીને વહેંચવા માટે અને અનુવાદમાં લખાતી ભાષામાં ઊંડાણ લાવવા માટે ઘણું અગત્યનું છે. અનુવાદમાં ઝડપ સારી હોવાથી મોટેભાગે એ કામ કરવા દરમિયાન જ સમાંતરે બ્લૉગ પોસ્ટ માટેના મુદ્દાઓ કે કોઈ નવી કાવ્યપંક્તિઓ સૂઝે તો વર્ડ ફાઈલમાં લખીને મૂકી રાખતો હોઉં અથવા મોબાઈલમાં નોટ્સ બનાવીને રાખી દઉં. હા, એટલું ખરું કે મારા વ્યવસાયમાં અનુવાદના વિષયોની એકવિધતાને કારણે સાહિત્યકારો જેવી સર્જનાત્મકતાને વિશેષ અવકાશ નથી, પણ તોય રોજેરોજ શબ્દો જોડે પનારો તો પડે જ અને કાર્યભાર ઓછો હોય ત્યારે સામાન્ય પુસ્તકની જેમ કોઈ સારા શબ્દકોશોમાંથી અપરિચિત શબ્દો લઈને વિષયવાર નોંધો બનાવતો રહું છું. ટૂંકમાં, અનુવાદ હોય, કે વાંચન-લેખન કે પરિવારને ફાળવવાનો સમય હોય, આ બધી પ્રવૃત્તિઓ એકબીજા સાથે સાહજિકતાથી જોડાઈ ગઈ હોય એટલે જ્યારે જેના માટે સમય આપવો જરૂરી હોય એ આપમેળે અપાઈ જાય છે. કોઇ બાબત માટે સમય નથી મળતો એવો કચવાટ કે ફરિયાદ રહેતા નથી.

૬. બક્ષીનો બ્લોગ-અને એ પણ ઓફીશીયલ ન હોય એવો- રીવાબહેન (બક્ષીબાબુના દીકરી)ને આ બ્લોગ વિષે ખબર છે? એમનું આ બ્લોગ અંગે શું માનવું છે? 

જ: ના, એમના પુત્રીને આ બ્લૉગ વિશે ખબર હોય એવું મારી જાણમાં નથી. કદાચ એમની ઑનલાઈન હાજરી નહિવત હશે એવું લાગે છે.

૭. ‘બ્લોગર કિનારે’ તમારો પોતાનો બ્લોગ છે. હમણાં જોવા મળી રહ્યું છે કે તમે પદ્ય તરફ ગતિ કરી રહ્યા છો. વાંચન સિવાયના શોખ વિષે જણાવશો?

જ: હા, લગભગ 2014ની દિવાળી આસપાસ ગઝલનું છંદશાસ્ત્ર સમજાવતા સાહિત્યનો અભ્યાસ શરૂ કરવાની તાલાવેલી જાગી અને પછી ગુજરાતી ગઝલો પર નજર નાંખતાની સાથે જ એમાં પ્રયુક્ત છંદની પૅટર્ન પકડાઈ જાય એટલી હથોટી આવી ગઈ એટલે આમાં વિશેષ ખેડાણ કરવાની ઇચ્છા જાગી. આ અભ્યાસને પરિણામે જ ગઝલને માત્ર તુકબંદી, રદીફ-કાફિયા કે પ્રાસાનુપ્રાસનો ખેલ સમજવાને બદલે ઊંડી લગન અને સાધના માંગી લેતાં એક ગંભીર કલાપ્રકાર તરીકે સન્માનતો થયો છું. પ્રશિષ્ટ ગઝલકારોની રચનાઓનો અભ્યાસ અને અવલોકનો કરતો રહું છું અને નક્કી કરેલાં કડક માપદંડો પ્રમાણેની સારી સંતોષકારક ગઝલ ન લખાય ત્યાં સુધી બ્લૉગ કે ફેસબુક પર પ્રગટ કરવાનું ટાળું છું. ઉર્દૂ ભાષા શીખવાનો પ્રયત્ન એ પણ ગઝલના કલાસ્વરૂપને વધારે વફાદારીથી પામવા તરફનું કદમ છે. વેબસાઈટો પર યુનિકોડ ફૉન્ટમાં લખાતી ઉર્દૂ મધ્યમ ઝડપે વાંચી શકું છું અને નસ્તલિક શૈલીમાં લખાતી વધારે અઘરી ઉર્દૂ થોડીઘણી કઠિનાઈ સાથે વાંચી શકું છું. શબ્દભંડોળ અને અભિવ્યક્તિમાં સંતોષકારક અભિવૃદ્ધિ થયા બાદ ઉર્દૂ ભાષાંતર પર પણ હાથ અજમાવવાની ઇચ્છા છે. વાંચન સિવાયના બીજા શોખોમાં સંગીત ગમે. વિશેષત: શાસ્ત્રીય સંગીત, જેમાં ઉસ્તાદ વિલાયત ખાન અને ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાનનું સિતારવાદન સૌથી વધારે ગમે.

૮. વર્તમાન છાપામાં આવતી કોલમોમાં અને વર્તમાન સાહિત્ય જગતમાં થતા અનુવાદોના સ્તર વિષે શું માનો છો? યુવાનોએ કારકિર્દી તરીકે અનુવાદ સ્વીકારવા યોગ્ય છે? જરા પ્રકાશને હેઠો પાડજો… 😛

જ: લેખનનું સ્તર કથળી રહ્યું છે. પૃથ્વી પર જન્મતું દર ત્રીજું બાળક ચાઈનીઝ હોય એમ ગુજરાતી વાક્યમાં જોવા મળતો દર ત્રીજો શબ્દ અંગ્રેજી હોય એની હવે નવાઈ રહી નથી. વર્ણસંકર ખચ્ચરી ભાષામાં લખતાં લેખકોનો રાફડો ફાટ્યો છે. તત્સમ શબ્દોના અતિરેકથી પાંડિત્યપ્રચૂર આડંબરી ભાષા એ એક અંતિમ છે અને જેમાં બિલોરી કાચ લઈને ગુજરાતી શબ્દ શોધવો પડે એવા અંગ્રેજીથી ઓવરફ્લો થતાં વાક્યોથી પ્રચૂર ભાષા એ બીજો અંતિમ છે. આ બંનેનું યોગ્ય સંતુલન હોય એવી કલમો ઓછી સંખ્યામાં છે. ઘેર ઘેર માટીના ચૂલાંની જેમ હવે ઘેર ઘેર લેખનના ચૂલા જેવો ઘાટ સર્જાયો છે. ફેસબુક પર લૉગિન થતાંની સાથે ધ્રાસ્કો પડે છે કે હમણાં ગમે તે ટોમ, ડિક કે હૅરી એવી જાહેરાત કરતું સ્ટેટસ અપડેટ મૂકશે કે, “ખંભાત ખાડી કે ગાંધીધામ ગંગા કે ચરોતર ચિત્ર કે મારવાડ મિત્ર કે વિદ્યાનગર વિચિત્ર નામના અખબારમાં મારી સાપ્તાહિક કૉલમ શરૂ થઈ છે.” ટૂંકમાં વાંચનારા ઘટ્યાં છે, લખનારા વધ્યા છે, લખીને બીજાને વંચાવ્યા વિના જંપે નહીં એવા ઓર વધ્યા છે. પરિણામે, સ્થિતિ એવી થઈ છે કે ટોચના સન્માનનીય નામોને બાદ કરતાં લેખનના વ્યવસાયની અધોગતિ થઈ રહી છે.

અનુવાદ વિશે બ.ક. ઠાકોરે કહ્યું છે એમ એ કાજળકોટડીમાં પ્રવેશવા જેવું કામ છે. ગમે તેટલી સાવધાની રાખો કાજળનો એકાદ ડાઘો લાગ્યા વિના નહીં રહે. સાહિત્યિક અનુવાદોમાં જશ કરતાં જૂતિયા પડવાની સંભાવના વધારે છે. આપણી ભાષામાં સર્જાતું ઉત્તમ સાહિત્ય ગુજરાતની સરહદો ઓળંગીને પરભાષાઓમાં જતું નથી, પણ અંગ્રેજી સહિતની બીજી ભાષાઓનું સાહિત્ય ગુજરાતીમાં વધારે ઠલવાય છે. અંગ્રેજીમાં સૅલેબલ લેખકોના નવા પુસ્તકો બહાર પડે અને ધૂમ મચાવે એટલે ગુજરાતી પ્રકાશકો તરત રોકડી કરી લેવા માટે એનું ગુજરાતી સંસ્કરણ તૈયાર કરાવે છે, એમાં ખાસ ભલીવાર હોતો નથી, કારણ કે અનુવાદનું કામ વહેલું પૂરું કરાવવા માટે એકથી વધારે અનુવાદકો પાસે કરાવવામાં આવતું હોઈ ભાષાની પ્રવાહિતા જળવાતી નથી. બીજું કે ઘણીવાર ક્લાસિકલ મ્યુઝિકમાં સારા આર્ટિસ્ટની સીડી કે ડીવીડી પર તબલાવાદકનું નામ લખેલું હોતું નથી અથવા ઝીણાં અક્ષરોમાં છાપેલું હોય છે એવી રીતે અનૂદિત પુસ્તકો પર અનુવાદકોને યોગ્ય ક્રૅડિટ આપવામાં આવતી ન હોય એવું અવારનવાર બને છે.

કારકિર્દી તરીકે અનુવાદ સ્વીકારવો કે નહીં એના જવાબમાં એટલું કહીશ કે અનુવાદનો દરજ્જો લેખક કરતાં નીચેની પાયરીનો ગણવામાં આવે છે. આમાં નામ નથી, સાહિત્યિક અનુવાદો કરો તો દામ પણ નથી. ઈન્ટરનેટ પર Proz.com કે translatorscafe.com જેવી વેબસાઈટો પર રજીસ્ટર થઈને ફ્રીલાન્સર તરીકે સ્વતંત્ર કામ કરો એ આર્થિક રીતે પગભર થવા માટે સારામાં સારો વિકલ્પ છે. આમાં અંગ્રેજીનો ગુજરાતી અનુવાદ ઉપરાંત, જેણે અનુવાદ કર્યો હોય એ પ્રમાણિત છે કે નહીં એ ચકાસવા માટે ગુજરાતીનો ફરીથી બીજી વ્યક્તિ પાસે અંગ્રેજીમાં અનુવાદ (જેને Back translation કહે છે) કરાવવો, પ્રૂફરીડિંગ/ઍડિટિંગ જેવા એકથી વધારે તબક્કાઓ હોય છે. અલગ અલગ તબક્કે અલગ અલગ પ્રૉફેશનલની જરૂર પડે છે. અનુવાદમાં કરવાનું શું? બસ વર્ડ ખોલીને ટાઈપ જ કરવાનું ને? એવું માનતા લોકો અંગ્રેજી કે હિન્દીનો એકાદ ફકરો જાતે ભાષાંતર કરીને જોઈ લે કે આ કામ લાગે એટલું સહેલું નથી.

૯. એવું જોવામાં આવ્યું છે કે અનુવાદ સાહિત્યનો બહુ મહેનત માંગી લેતો પ્રકાર છે. એટલે એની  સાથે જ જોડાયેલો સવાલ છે કે અનુવાદ કરવામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? 

અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે મારું કામ બિન-સાહિત્યિક વિષયોના અનુવાદનું વધારે હોય છે, છતાં સાહિત્યિક અનુવાદનું પૂછતા હો તો એમાં અનુવાદકને મૂળ કૃતિના સંદર્ભોનું જ્ઞાન હોવું જોઈએ, શબ્દશ: અનુવાદ કરવાની ઘેલછામાં મૂળ ભાષાને અન્યાય ન થવો જોઈએ. લેખક લખતી વખતે કૃતિ સાથે જેટલું તાદાત્મ્ય અનુભવતો હોય એ જ તાદાત્મ્ય અનુવાદક કૃતિ સાથે અનુભવતો હોવો જોઈએ. કોઇ શબ્દ ખબર ન હોય તો આળસ ખંખેરીને શબ્દકોશ ફંફોસવાની તસદી લેવી જોઈએ. સાહિત્યિક અનુવાદો કરવાની ઇચ્છા હોય એ રમણભાઈ સોની દ્વારા સંપાદિત “અનુવાદ: સિદ્ધાંત અને સમીક્ષા” પુસ્તક ખાંસ વાંચે એવી ભલામણ છે. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં અનુવાદની પ્રક્રિયા વિશે શ્રી નગીનદાસ પારેખના લેખોનું સંકલન છે.

૧૦. તમે કરેલા અનુવાદ માંથી તમારો ફેવરીટ કયો? અને તમે વાંચેલા અનુવાદ માંથી તમારા દિલ ની નજીક નો અનુવાદ કયો?

કાજલ ઓઝા વૈદ્યની એક અછાંદસ કવિતા ‘ગોઠવણ એટલે શું’નો અંગ્રેજી અનુવાદ. વાંચેલા અનુવાદોમાંથી ચંદ્રકાંત બક્ષીની નવલકથા ‘લીલી નસોમાં પાનખર’નો સરલા જગમોહને ‘The Lost Illusions’ નામે કરેલો અનુવાદ સૌથી વધારે ગમે.

૧૧. માઉન્ટ મેઘદૂતને સુધરવાની ક્યાં જરૂર છે?

કવિ કાલિદાસની સુંદર કૃતિનું નામ જેના શીર્ષકમાં છે એ માઉન્ટ મેઘદૂત બ્લૉગ વાચકોની મુલાકાતો અને પ્રતિભાવોથી ધમધમતો રહે છે. લોકપ્રિય છે. ટીમવર્ક સારું છે. સામાન્ય રીતે બે ક્રિએટીવ ભેજા લેખનમાં ભેગા થાય ત્યારે સલીમ-જાવેદની જોડીની જેમ અહમના ટકરાવને કારણે છૂટા પડી જાય છે ત્યારે આ બ્લૉગ પર તો ચાર લેખકો ભેગા મળીને સરસ સંચાલન કરે છે. તમે સૌ જાગૃત છો એટલે સુધારાના સૂચનો ન હોય. આ ચોકડીનો ચળકાટ ક્યારેય ઝાંખો ન પડે અને નવા નવા વિષયોનું ખેડાણ કરતા રહો એવી શુભેચ્છાઓ.

Best regards,

Nehal Mehta

મિત્ર નેહલ મહેતા સુધી પહોંચવાના રસ્તા:

http://www.proz.com/translator/618578

 

પાપીની કાગવાણી:

બક્ષીબાબુની ફેન ક્લબો ડૂંગરે ડૂંગરે છે, બક્ષીની વિરુદ્ધ કાંઈ પણ બયાન આપનારના મસ્તકે માછલાં ધોવાય છે. બક્ષીના સ્વર્ગવાસ પછી વર્ષો વીત્યા છતાં જાણે હજી એક ધાક વરતાય છે બક્ષી મિયાંની. દરઅસલ બક્ષીની જટિલતા એ વાતમાં છે કે તેમને ચાહનારા પણ તેમને દિલ ફાડીને ધિક્કારે છે અને ધિક્કારનારા તેમને દિલ ફાડીને ચાહે છે.

દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં 11 ફેબ્રુઆરી 2015નાં રોજ પ્રગટ થયેલો શ્રી મધુ રાયનો લેખ

Techie Batein…

He is techie, he is blogger. And there is more in him.

આજે “બ્લોગર બાતે” માં આપણી સાથે એક એવા વ્યક્તિ છે જે ટેકી છે, બ્લોગર છે, ફિટનેસ પ્રેમી છે. એનું અડધું કી-બોર્ડ ચંદ્રકાંત બક્ષી થી લઇ ને તોતોરો એ અને અડધું કી બોર્ડ ગીટહબ વિકિમીડિયા ફાઉન્ડેશન અને લિનક્સ જેવા ઓપન સોર્સ પ્રોજેક્ટ્સ એ લઇ લીધું છે. એ માણસ સાથે તમે ચાહો એ વિષય પર નિરાંતે ગોઠડી માંડી શકો. અશ્વિની ભટ્ટ થી લઈને ટેકનો-ટીપ્સ સુધી. માઉન્ટ મેઘદૂતનું અસ્તિત્વ નહોતું ત્યારથી આ માણસને વાંચીને આપણા બ્લોગનો પીંડ ઘડાયો છે. અને આજે એના જ કામ માંથી પ્રેરણા લઇ ને એમનો ઇન્ટરવ્યુ અમે એવી રીતે તૈયાર કર્યો છે કે આ પોસ્ટ  ગુજરાતી બ્લોગ જગત ના સૌપ્રથમ ઓપન સોર્સ ઇન્ટરવ્યુ માં સ્થાન પામશે. તો મોસ્ટ વેલકમ ટેકી-બ્લોગર-રીડર-રનર અને બધાથી ઉપર એવા ગુજરાતી, કાર્તિક મિસ્ત્રી.

૧. વેલકમ કાર્તિક ભાઈ, માઉન્ટ મેઘદૂત તમારું સ્વાગત કરે છે. સહુ પ્રથમ એક ઇન્ટ્રોડકટરી સવાલ. તમે ઓપન સોર્સ સોફ્ટવેર ડેવલપમેન્ટના વિશ્વ માં કઈ રીતે આવ્યા?

જ. આભાર. સવાલનો જવાબ છે ૨૦૦૪ માં. કોલેજનાં છેલ્લાં વર્ષમાં મારે કોઇ પ્રોજેક્ટ કરવાનો હતો અને આગલાં વર્ષોનાં મારા પરિણામો જોતાં મને કોઇ કંપનીમાં પ્રોજેક્ટ મળે તેવી શક્યતાઓ દેખાતી નહોતી.. 😉 પછી, મારા સ્કૂલ મિત્ર નિરવ મહેતા (જે છેક ૧૯૯૭માં વર્લ્ડ વાઇડ કોમ્પિટિશન જીતીને બિલ ગેટ્સને મળવા માટે અમેરિકા ગયેલો!) નો સંપર્ક સાધવામાં આવ્યો. તેની કંપની ગુજરાતી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાની હતી અને મને આ કામ વિશે સાંભળીને મજા આવી અને પછી…

અને હા, આ પહેલાં લિનક્સ ઇન્સ્ટોલ કરવા-વાપરવાનો અનુભવ હતો, પણ તે રમતમાં ગયેલો.

૨. હવે એક બીજો ઇન્ટ્રોડકટરી સવાલ, બ્લોગીંગ અને સાહિત્ય ના વિશ્વ માં તમારો પહેલો કદમ કઈ રીતે પડ્યો?

જ. ગુજરાતી ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરતી વખતે ૨૦૦૪-૨૦૦૫ દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આવ્યો. ઉત્કર્ષ.ઓર્ગ અને પછી ગુજરાતીલેક્સિકોન.કોમ સાચવતી (અંગ્રેજીમાં કહીએ તો – મેઇન્ટેન કરવું!!) વખતે “મારા વિચારો”(બ્લોગ)ને ક્યાંક લખવાનો વિચાર આવેલો પણ શરુઆત કરવાની રહી જ જતી હતી. પછી, એક દિવસ બક્ષીબાબુના અવસાનના સમાચાર સાંભળીને થયું કે હવે લખવું જ પડશે. પહેલી પોસ્ટ પણ એ વિશે જ હતી.

અંગ્રેજી બ્લોગની શરૂઆત ૨૦૦૪માં કરેલી, જે હાલમાં મૃત:પ્રાય અવસ્થામાં છે.

સાહિત્યની વાત કરીએ તો વાંચનનો શોખ તો ઇ.સ પૂર્વે ત્રીજા કે ચોથા ધોરણમાં જ લાગેલો. શરૂઆત “સ્કોપ” જેવા વિજ્ઞાનના મેગેઝિનથી થયેલી, અંત મને ગમે એટલાં પુસ્તકો શહેરની પાંચેક લાઇબ્રેરીમાંથી વાંચી કાઢેલા પુસ્તકોથી આવ્યો.

૩. દરેક ટેકી ને થતો એક ઓબ્વીયસ સવાલ, What are your Widgets Gadgets?  તમે કયો ફોન અને ડેવલપમેન્ટ માટે કેવું કમ્પ્યુટર યુઝ કરો છો? અને એના કયા ફીચર્સ છે જે તમને બહુ જ ગમે છે/ ઉપયોગી છે?

જ. મોટ્ટો સવાલ. નાનો જવાબ.

  • કોમ્પ્યુર: લેનોવો થિન્ક પેડ ટી-૪૧૦ વત્તા ડેલ ૨૪ ઇંચ મોનિટર.
  • મોબાઇલ: નેક્સસ ૫.
  • વાંચન રીડર: કિન્ડલ પેપરવ્હાઇટ ૩જી

લેનોવો-થિન્કપેડ તેની મજબૂતી માટે ગમે છે, જ્યારે નેક્સસ મોબાઇલ તેની અપ-ટુ-ડેટ ઓપરેટિંગ સિસ્ટમ માટે ગમે છે. કિન્ડલ ગમવાનું કારણ એ કે ઘરમાં હવે પુસ્તકો રાખવાની જગ્યા રહી નથી. એમ નથી કે પુસ્તકો બહુ છે, પણ ઘર નાનું છે 😉

વધુ ઉપકરણોની વિગતો, http://kartikm.wordpress.com/about-me/my-hardwares/ પાનાં પર!

૪. તમારા ટેકનો-પ્રદાન વિષે વાત કરીએ તો, ગુજરાતી વિકિપીડિયા માં પણ તમારું પ્રદાન થઇ રહ્યું છે, અત્યારે ગુજરાતી વિકિપીડિયા કઈ રીતે આગળ વધે છે? અને કઈ રીતે આગળ વધવાનું છે? ઈંગ્લીશ વિકિપીડિયા ના લેખ નું ભાષાંતર જ થાય છે કે ગુજરાત અને ભારત ને લગતા લેખો પણ આવી રહ્યા છે?

જ. ગુજરાતી વિકિપીડિયામાં મારું યોગદાન બહુ જ નાનું છે અને આમપણ હું “સ્મોલ ઇઝ બ્યુટિફુલ”નો હિમાયતી છું. અત્યારે ગુજરાતી વિકિપીડિયામાં સક્રિય સભ્યો વધુમાં વધુ દસેક જેટલાં છે, એટલે ગાડી ધીમે ચાલે છે. “વિકિમિડિઆ ફાઉન્ડેશન” ખાતે મારી ટીમ હવે એક ભાષામાંથી બીજી ભાષામાં અને વધુ સરળતાથી ભાષાંતર કરી શકાય એ માટે પ્રયત્નો કરી રહી છે, પણ હજી મોટી સફર ખેડવાની બાકી છે (ગુજરાતી નહી, પણ કોઇપણ ભારતીય ભાષાઓ માટે).

અત્યારે ગુજરાતી વિકિપીડિઆના મોટાભાગનાં લેખો ભાષાંતર જ છે, પણ ગુજરાતનાં ગામો વિશેનાં લેખો કદાચ આપણી ઉપજ છે.

૫. ભણતર મુજબ જો જોવા જઈએ તો તમારા કેરિયર અને શોખને બાર ગાઉનું છેટું છે. તો વાંચન ક્યારે વળગ્યું?

જ. ભણતર પછી આવ્યું, શોખ તો પહેલેથી જ હતો!

૬. બ્લોગીંગ અને રનીંગ સિવાયની રોજીંદી પ્રવૃત્તિઓ/શેડ્યુલ જણાવશો? વાંચન માટે ક્યારે સમય ફાળવો છો?

જ. આજકાલ જોકે બ્લોગીંગમાં અઠવાડિયાનાં બે-એક કલાકથી વધુ સમય જતો નથી એટલે ફ્રી સમય રનિંગમાં જ વધુ સમય જાય છે. વાંચનનું પણ એવું જ છે, નવાં પુસ્તકો ન આવે ત્યાં સુધીનું વાંચન કિન્ડલ અથવા ઓનલાઇન જ થાય છે, અને એ મોટાભાગે બપોરે જમ્યા પછી. રાત્રે વાંચવાની ટેવ છેલ્લાં બે વર્ષોથી છૂટી ગઇ છે.

૭. બ્લોગીંગ સિવાય ક્યાંય તમે લખેલા લખાણો પ્રગટ થયા છે?

જ. ભાગ્યે જ. થોડાં વર્ષો પહેલાં લિનક્સ ફોર યુ માં. (P.S.: વાંચવા જેવાં નહોતા.. 😛 )

૮. ગુજરાતી સિવાય ક્યા ક્યા લેખકોને વાંચ્યા છે? કાર્તિક મિસ્ત્રીના ટોપ ટેન ફેવરીટ લેખકોનું હિટ-લિસ્ટ?

જ. ગુજરાતી સિવાય તો મને એક જ ભાષા (હાલમાં!) આવડે છે – અંગ્રેજી. ટોપ ટેન ફેવરીટ લેખકોની યાદી સમયાંતરે બદલાતી રહી છે. પણ ટોચમાં તો બક્ષી બાબુ, ક.મા. મુન્શી જ રહ્યા છે.

૯. માઉન્ટ મેઘદૂતને ક્યાં સુધરવાની જરૂર છે? 😛

જ. તમારા બ્લોગ-કામનો થોડો વધુ પ્રચાર કરી શકો તો મજા આવી જાય.. 🙂

 

શોર્ટ નોટ: આ ઇન્ટરવ્યું ઓપન સોર્સ છે. આ બ્લોગ પર આવતા પહેલા તૈયાર થયેલા, અને સુધારાયેલા બધા જ સવાલ અને જવાબ ગીટહબ પર સ્ટોર થયેલા છે. આ ઇન્ટરવ્યું ના બધા જ ડોક્યુમેન્ટ તમે  અહીંથી લઇ શકશો જ્યાં આ અને આવનારા બધા જ ઓપન સોર્સ ઇન્ટરવ્યું પડેલા હશે. 

 

કાર્તિક મિસ્ત્રી:

બ્લોગ લિંક: http://kartikm.wordpress.com/