• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,302 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

વતન : મારો ‘દેશ’ અને મારો ‘દેહ’ – 1

અંતે, દિવસ આવી ગયો. ગામડે જવાની ઉતાવળ હતી તે શાંત થઇ રહી હતી. ત્યાં જઈને કરવાની મોજનું લિસ્ટિંગ કરી રાખ્યું હતું. પપ્પા એ ખિસ્સામાં પાંચ સો રૂપિયા મુક્યા. ૧૦૦ રૂપિયાના છુટ્ટા આપ્યા. વેકેશનમાં મોજ કરવા માટે ખર્ચો માત્ર ડિપાર્ચર ટિકિટનો જ હોય છે. ‘અરાઈવલ ટિકિટ’નો ખર્ચ જે-તે સગા-સંબધીના ઘરેથી છેલ્લે નીકળીએ તેમને જ ભોગવવાનો હોય છે. ઉપરાંત, જ્યાં રોકાયા હોઈએ તેઓ આપણા ખિસ્સામાંથી એક પણ રૂપિયો ઓછો ન થવા દે ! જીભના ટેસ્ટથી માંડીને સૂવા માટેની ચાદર સુધીનો ખ્યાલ સગા-સંબંધીઓ રાખે. ઉપરાંત, જે ખર્ચ કરવા પૈસા પપ્પાએ આપ્યા હોય તેમાં વધારો થાય – તેનું કારણ જે-તે સંબંધીના ઘરેથી નીકળતી વખતે મિનિમમ ૫૦ રૂપિયા અને નેક્સ્ટ ડેસ્ટીનેશન સુધી પહોંચવાની ટિકિટ ! આટલી સગવડ દરેક કુટુંબીજનો કરી જ આપતા હોય છે.

પરંતુ, આ વખતે મજાનો સમયગાળો લાંબો હતો. ૧૧-૧૨ સાયન્સમાં એડમિશન પ્રોસેસ થતા હજુ ચારેક મહિનાનો સમયગાળો હતો. તેથી બા-દાદા જોડે વધુ સમય વિતાવવાનું નક્કી કર્યું હતું. પપ્પા અને મમ્મી આ વખતે સાથે નહોતા આવી રહ્યા. હું પહેલી જ વખત એકલો સૌરાષ્ટ્રમાં જઈ રહ્યો હતો. તેથી અમુક નીતિનિયમોનું લિસ્ટ પપ્પા મને કહી રહ્યા હતા.

  • બસની બહાર માથું કાઢવું નહિ.
  • બસ ઉભી રહે ત્યાં નાસ્તો કરવો નહિ. ઘરેથી આપેલ થેપલા અને અથાણું ખાવું.
  • પાણી જ્યાં-ત્યાં પીવું નહિ. બેગના ડાબા ખાનામાં પાણીની બોટલ છે, તેમાંથી જ પાણી પીવું.
  • બને ત્યાં સુધી હોલ્ટ સમયે ઉતરીને તરત જ ફરીથી બસમાં બેસી જવું.
  • કોઈના ઘરે જઈએ ત્યારે તોફાન મસ્તી કરવા નહિ. જે બનાવે તે જમી લેવું.
  • તડકામાં બહુ રમવા જવું નહિ. તને કંઇક થશે તો બા-દાદા બિચારા તને લઈને ક્યાં દોડશે?

આવી અનેક શિખામણો સાથે મને બસમાં બેસાર્યો. જેટલું કહેવામાં આવ્યું હતું, તેનાથી બધું ઉલટું કર્યું. ભરૂચનો ટ્રાફિક જામ પસાર કર્યા પછી બસ આણંદની તારાપુર ચોકડી પાસે ઉભી રહી. તારાપુર ચોકડી પાસે ડાકોરના ગોટા અને ભજીયા બહુ મસ્ત મળે છે – આ વાત અમારા ઘરે ઘણી વખત થયેલી. ઉપરાંત, જયારે નાનો હતો ત્યારે મમ્મી સાથે ગામડે જતો ત્યારે રસ્તામાં દર વખતે બસ ત્યાં જ ઉભી રહેતી અને મમ્મી દર વખતે ગોટા લઇ આપવાની મનાઈ ફરમાવતી. તેથી પપ્પાએ આપેલ ૧૦૦ના છુટ્ટામાંથી દસ રૂપિયાની નોટ કાઢી અને ગોટાની એક ડિશ લીધી. ગરમાગરમ તીખા ગોટા સાથે જાડી પીળી કઢી ! મીઠાથી આવરિત થયેલ તીખી મરચીઓ ! એ પેટમાં પધરાવતા મેક્સિમમ ત્રણ જ મિનિટ થઇ હશે ! ઘરેથી આપેલા થેપલા તો અથાણાં જોડે બસમાં બેસતાની સાથે જ ‘હફ્ફા’ થઇ ચૂક્યા હતા. અંતે, સવારે ‘નારી ચોકડી’ની બૂમ સંભળાઈ. નારી ચોકડીથી શિહોર-સોનગઢ તરફના વાહનો મળી રહે.

મારે મારા ગામ બજુડ જવાનું હતું. તેના માટે નારી ચોકડીથી શિહોર કે સોનગઢના છકડામાં બેસવાનું. ત્યાંથી બજુડના પાટિયે ઉતરવાનું. બજુડનું પાટિયું ‘ગરબો’ તરીકે ઓળખાય. ભાવનગર – રાજકોટ હાઈ-વે પર આંબલાથી આગળ નીકળીએ એટલે ‘બજુડ -> 5 km’ લખેલું બોર્ડ આવે. વચ્ચે અમરગઢ (જીથરી)ની પ્રખ્યાત ટી.બી.ની હોસ્પિટલ આવે. ત્યાંથી આગળ મારું ગામ બજુડ ! બજુડના પાટિયે એક નાની નિરાંત ઠેકાણું જેવી હોટલ અને વીર જટા અલકારાનો ઈતિહાસ લઈને અડીખમ ઉભેલી તેની ખાંભી ! બજુડના પાટિયેથી છકડો ભરાય નહિ ત્યાં સુધી તે ચાલે નહિ ! માત્ર ત્રણ-ચાર છકડાઓ જ ત્યાં ઉભા રહેતા. તેઓ પણ પોતાની મરજીના માલિક ! મન થાય તો જ છકડો ઉપાડવાનો ! લગભગ પાંચેક કિલોમીટરનો રસ્તો એકદમ કાચો અને ઉબડ-ખાબડ ! ભગવાને માણસને આપેલ ગાદી જેવા શહેરી ‘બમ’ અને ‘ચિક્સ’નું ‘બંજી જમ્પિંગ’ માત્ર અહી જ થાય. અંતે, હું સોનગઢ સુધી રિકશો (રિક્ષાનો હસબન્ડ)માં આવ્યો. ત્યાંથી મને બજુડના પાટિયા સુધીનો છકડો મળી ગયો. બજુડના પાટિયાથી અંદર પાંચ કિલોમીટર જઈએ ત્યારે ગામ અને રહેણાંક વિસ્તાર શરુ થાય. બજુડના પાટિયે છકડો ભરાય તેની રાહે ત્યાં બેઠો. પહેલા હું છકડામાં નીચે બેઠો.

ત્યાં જ છકડાચાલક ભાઈ આવ્યો અને બોલ્યો, “કોનો સોકરો ?”

“તુલસીભાઈ, ડોક્ટરનો !”

“ક્યાં રે’વાનું ?”

“સુરત.”

“તાર દદાનું નામ હું?”

“દેવરાજભાઇ …”

“કેવા ?”

“મોરડિયા.”

“ઠેક તંઈ ! દેવરાજ દદાના નાના સોકરાનો સોકરો !”

“હા. હું કરે ડાક્ટર શાઈબ ? બોવ દિ થ્યા એન આઇવા એને તો ! કારે’ક તારા બાપાને ય મોકલ ! હું ને તારા બાપા બેય એક ઝ નીહાળે ઝાતા. મને કોઈ દિ કાંઈ નો આવડ્યું ! તારો બાપો ને હું બે’ય ફિશિયારીઓ જ ઠોકતા. પણ, વખત આવ્યે સોપડીયું વાંશી લેતો ! ઈમાં હંધી યે પરક્ષામાં પાશ થઇ ઝાતો. બોવ વરહ થ્યા ! જેના ભાય્ગમાં જે હતું એ હૌવને મળે ભાઈ. તું ભણે સો ને પાસો ? ઝોયામાં તો હુશિયાર લાગે સ !”

“હા. દસમાં ધોરણની એક્ઝામ આપી. રિઝલ્ટ આવવાને હજુ વાર છે.”

“એમ ? બોવ હારું લે તંઈ ! કેટલા આવહે ?”

“ખબર નહિ ! એ તો રિઝલ્ટ આવ્યે ખબર પડે.”

“રિજલ્ટ આવે ત્યાં હુધી તો આયાં જ સો ને ?”

“હા, કાકા ! હમણાં ૨ મહિના અહી જ છું.”

“હા, તે રિજલ્ટ આવે એટલે કે ! પેંડા ખવડાવું સોક્ખા દૂધના ! અંદર ગામમાં જ હું રવ સુ ! જઈં ઝાય ઈ પેલા મને કેજે. તારા બાપા હાટુ પેંડા લેતો ઝાઝે !”

આટલી વાત થઇ ત્યાં જ એકસાથે ચાર-પાંચ વ્યક્તિઓ આવતી દેખાઈ. તરત જ, છકડામાં બધા ગોઠવાઈ ગયા. મને એ છકડાવાળા કાકાએ કહ્યું,

“પાળીએ બેહવું સે ને ?”

“ચડી જા, ઉપેર ! કાઈ નો થાય ! હોળ વરહનું સોકરું થાય પશી બધે બેહાય અને ચડાય !”

 

(ક્રમશ:)

-કંદર્પ પટેલ,

નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ

મારા બાપુને ખેતર કહેજો જઈ, એનો દીકરો એ ખેતરને ભૂલશે નહી

મારી સામે પથરાયેલા ભીના ખેતરને જોઈ રહ્યો છું. ચારે તરફ આકાશ ઘેરાયેલું છે. થોડીવાર પહેલા એક ઝાપટું આ કાળી-સુકી જમીનને ભીની કરી ગયું. મારા શ્વાસમાં માટીની સુગંધ છલકાઈ રહી છે. જમીનને ભીની કરીને એ વાદળ દુર ભાગી ગયું છે. મારું ગામ, મારી સીમ કોરી રાખી ગયું છે. માત્ર સુગંધ છોડીને આ જમીન નિ:સાસો નાખી રહી છે. સામે શેઢે વધારે પડતું લીલું લાગતું રાયણનું ઝાડ ઠંડી હવામાં કલબલી રહ્યું છે. દુર વરસાદ ગાજ્યો. પેલું ઝાડ જોઇને જૂની વાત યાદ આવી.

બે વરસ પહેલા આવી જ એક સંધ્યાએ હું અને મારા ખેડૂત પપ્પા અહી ઉભા હતા. હવાને લીધે અમારા શર્ટનો ફફડવાનો અવાજ આવતો હતો. ચુપકીદી હતી. ભીની સુગંધ અને પોતપોતાનું એકાંત હતું. કુદરત સાથેનું એકાંત મૂંગી રીતે જીવતા માણસોને બોલકા કરી દેતું હોય છે. મારા પપ્પાએ મને પૂછ્યું: ખબર છે આ સામે દેખાતી કુદરત, પેલું રાયણનું ઝાડ આ બધું આટલું સુંદર કેમ દેખાય છે? મેં પપ્પાને મારું સાયન્સનું જ્ઞાન દેવાનું ચાલુ કર્યું! કઈ રીતે ફોટો-સિન્થેટીક પ્રોસેસમાં ક્લોરોફીલ કામ કરે છે, અને સામે દેખાતી કુદરત લીલીછમ દેખાય છે એ બધું મેં તેમને સમજાવ્યું. તેઓ હસી પડ્યા. મેં હસવાનું કારણ પૂછ્યું તો મને કહે: મને મારા અજ્ઞાન ઉપર હસવું આવે છે. મને તો એમ કે- આ કુદરત જેવી છે એવી જ રીતે દેખાય છે, અને જેવી છે એ રીતે જ મસ્ત રહીને જીવી રહી છે એટલે આટલી સુંદર દેખાતી હશે.

એમનો જવાબ મને ધ્રુજાવી ગયો હતો. સાચે જ કુદરતની સુંદરતાનું કારણ તેનું કુદરતી હોવું એ જ હશે. માણસ પણ કુદરતી રીતે જીવે ત્યારે આપોઆપ સુંદર બની જતો હોય છે. કદાચ.

આ ભીની માટીની સુગંધ એક બીજો વિચાર જન્માવી રહી છે. ભવિષ્યની પેઢી આ દ્રશ્ય જોઈ શકશે? આવનારા ચહેરાઓને ખેતરની માટીની સુગંધ મળી શકશે? આજે હું એન્જીનીયર બનીને શહેરમાં જોબ કરું છું. છુટ્ટી હોય ત્યારે ગામડે આવું છું. ખેતર આવું છું. મારા જેવા હજારો યુવાનો છે જેમના પપ્પા ખેડૂત છે, પરંતુ દીકરાને ખેતી આવડતી નથી. પપ્પાએ પેટે પાટા બાંધીને ભણાવ્યા. કેમ? દીકરા…આ ખેતી ના કરશો. ભણો. આ ગામડે કશું કાઢી લેવાનું નથી. અમે ઢસરડા કરીને મરી જશું તોયે ક્યારેય બે છેડા ભેગા નહી થાય. બેટા…તમે ભણો અને પગારદાર બનો. ખેતી અમે સંભાળી લેશું.

એવું જ થયું છે! પેલી દુર થતી વીજળીના ચમકારા પછી હૃદયમાં અવાજ આવી રહ્યો છે કે- હવે અમારા કુટુંબે ઉછેરેલી ખેતીનું શું? અમારા ખેતરો સુગંધી ની:સાસો નાખશે ત્યારે કોને સુગંધ આવશે? આ શરીરમાં ખેડૂતનું લોહી દોડી રહ્યું છે, પણ દિમાગને ચાસ પાડતા આવડતા નથી! આપણા સડીને ચુથો થઇ ગયેલા સમાજની વિચારસરણી અંદર એક એવું ગંદુ ચિત્ર ઘુસી ગયું છે જે ગુસ્સો અપાવે છે: દીકરો આજકાલ શહેરમાં પોતાને ન ગમતી દસ-પંદર હજારની જોબ કરશે પરંતુ ગામડે બાપે જતન કરેલી ગમતી ખેતી નહી કરી શકે! કેમ? અરે આજકાલ જો યુવાન ખેતી કરતો હોય તો લગ્ન નથી થતા! બાપને પૂછીને મુરતિયો પસંદ કરતી ડાહી દીકરી ખેતી કરનારા યુવાનમાં ફ્યુચર સિક્યોરીટી જોતી નથી!

વાત સાવ ખોટી પણ નથી. સોલ્યુશન છે: ભણેલો યુવાન સર્વશ્રેષ્ઠ ખેડૂત બની શકે. હા. ટેકનોલોજી અને કુદરત મળીને કમાણી કરી આપે. જય વસાવડાએ રાડો નાખી-નાખીને આ વિષય પર, ઇઝરાયેલની ટેકનોલોજીથી સજ્જ ખેતી પર લખ્યું હતું. કોણ એ શબ્દો હૃદયમાં ઉતારે? ઉતારીને રીયલ-લાઇફમાં કયો યુવાન ખેતીમાં કરિયર બનાવવા ઉભો થાય? જયારે કોઈ શ્રેષ્ઠ માણસના-લેખકના શબ્દોને કોઈ ‘લખવા ખાતર લખેલા’ સમજે ત્યારે દિમાગને નપુંસકતા આવી જાય છે. થાય છે મારી પેઢીમાં સાવજ-પણું મરી પરવાર્યું છે અને ઘેટા-પણું છલોછલ ભર્યું છે. કોઈ પણ એક્સક્યુઝ આપ્યા વિના બધી સમસ્યા પાર કરીને ખેતીમાં કરિયર બનાવનારા સિંહ જીવે છે ખરા? કે લુપ્ત પ્રજાતિ?

મેં મારા 23 વરસમાં મારા પપ્પા અને ગામડાના ખેડૂતની નજરે જોયેલી જીવની જોઇને કહી શકું છું કે- અત્યારે ૪૫-૫૦ વરસની ઉપર જીવતા ખેડૂતોએ ભવ્ય જીંદગી જીવી છે. તેમને પોતાના શરીરને ઘસીને, કસીને, નિચોવીને જીવ્યું છે. શુદ્ધ ઓક્સીજન અને એથીયે શુદ્ધ હૃદય શરીરમાં ભરીને જીવી રહ્યા છે. દુનિયા વિશેના અજ્ઞાનને ભરપુર માણ્યું છે. તેઓએ આ ખુલ્લી ધરતીના પુત્ર બનીને માંને ખોળે જીવી જાણ્યું છે. આકાશની ચાદર ઓઢીને આંખો મીંચેલી છે. શહેરની હવા-પાણી-ખોરાક અને ટૂંકા જીવના માણસો એ બધા કરતા ચોખ્ખી જીંદગી ગામડાનો ખેડૂત જીવ્યો છે.

તોયે તેઓની નિરક્ષરતા નડી છે. અજ્ઞાન સૌથી મોટું કલંક બની રહ્યું. ખેડૂત સ્થિર બની ગયા. ટેકનોલોજીનું પરિવર્તન તેઓ અજ્ઞાનને લીધે ના સમજ્યા. ખેતીને કોસતા રહ્યા. દીકરાઓને મહામહેનતે ડોક્ટર-એન્જીનીયર બનાવીને તેઓ અસ્ત બાજુ પહોચી ગયા. હવે છેલ્લા વર્ષોમાં તેઓ ઓટલા ઘસવા સિવાય કશું કરી નથી શકતા. પુસ્તકો વાંચી નથી શકતા. આવા સમયે નિરક્ષરતા સૌથી મોટો ડાઘ બંને છે. સાવજ સમી જીવની જીવીને સમાજની અંદર ઘાસ ખાવાનો સમય!

મારા પપ્પા કહે છે: એક દિવસ ગામડાઓ ખાલી થઇ જશે. બધા યુવાનો શહેરમાં જ છે. અમે બુઢા થઈને મરશું એટલે ગામડે પૂરું!

એમનું વાક્ય અજાણી ઉપાધિમાં નાખી દે છે. ગામડાઓ ખાલી નહી થાય. હું આશાવાદી છું. આજકાલ પોતાને ન ગમતી જોબ કરવામાં દિવસો વેડફતો દીકરો એક દિવસ આ ગામડે આવશે. એક દિવસ આ માટીની સુગંધ મારી પેઢી પણ લેતી હશે. જમાનો ફરી ગયો હશે. ટેકનોલોજીથી અમે ખેતી કરીશું. કરિયર બનાવીશું. ઘરે ઈન્ટરનેટ પર માર્કેટ, પેકેજિંગ, એક્સપોર્ટ કરી નાખીશું. એગ્રો-ટુરીઝમ ઉભું થશે. ચોખ્ખી હવા, ખોરાક, પાણી બધું જ! મારા પપ્પાને પાણી વાળતી સમયે પેન્ટને ગોઠણ ઉપર ચડાવવું પડતું, અમે કેપ્રી-શોર્ટ્સ પહેરીને ટપક ચિંચાઈમાં, ગ્રીન-હાઉસમાં આંટા મારીશું! મારા પપ્પાએ દુકાળના વરસમાં કોરા ખેતર સામે જોઇને ભીની આંખે વરસ કાઢી નાખેલા છે, અમે ખેતરો કોરા રહેશે તો તંબુઓ પાથરીને ગૃહ-ઉદ્યોગો ચાલુ કરી દેશું. સાંજ પડ્યે ગામને ઓટલે નહી, પરંતુ પોતાની શોર્ટ્સ પહેરેલી વાઈફ સાથે બેસીને બાજરાના રોટલા બનાવવાની રેસીપી યુ-ટ્યુબ પર અપલોડ કરતા હોઈશું. જમાનો દુર નથી.

એક દિવસ આ ગામડાના જુના મકાનોમાં આપણે યુવાનો કમ્યુટર કંપનીઓ ચલાવતા હોઈશું. મોડી રાત્રે ખુલ્લા આકાશની ચાદર નીચે ફોરેઈનના કસ્ટમર સાથે ડીલ ફિક્સ કરતા હોઈશું. માટીના રમકડા બનાવીને આપણા દીકરા-દીકરીને ગીફ્ટ આપતા હોઈશું. દેખાઈ રહ્યું છે કે એ દિવસો, એ વર્ષો વધુ દુર નથી. પરંતુ આપણી જન્મજાત કુટેવ છે કે જ્યાં સુધી પરિસ્થિતિમાં ભરાઈ ના પડીએ ત્યાં સુધી સાવચેત થતા આવડતું નથી.

મારા પપ્પાના શબ્દો ખોટા નથી. એક દિવસ ગામડાઓ જરૂર ખાલી થઇ જશે. પરંતુ મને એ સુર્યાસ્ત પછીનો નવો સુરજ પણ દેખાય છે. જો આપણો ઘેટા-સમાજ અને યુવાન સમજે તો.

આગળના વાક્યમાં આગળ આવતો ‘જો’, અને છેલ્લે આવતો ‘તો’ હંમેશા આપણી સંસ્કૃતિના ધીમા ગ્રોથનું કારણ રહ્યો છે. સોલ્યુશન છે: એક પણ એક્સક્યુઝ વિના, શરમ ફગાવીને આપણે યુવાનો જયારે પડકારોને જીલતા શીખી લેશું ‘તો’

સાંજ પડી ગઈ છે. માટીની સુગંધ હજુ આવે છે. હવે મને તો આવતીકાલના સુર્યોદયમાં રસ છે. બસ.

જીતેશ દોંગા