• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,302 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

ફિલ્મી સફર

ઘ………………………….ણા વખતે ફરીથી આજે હાજર છીએ. Hope everyone is safe and healthy with their loved ones too. તો, આજે એક નવા લેખકને અમે કી-બોર્ડ આપીએ છીએ. એ આપણા બ્લોગ પર ફિલ્મી સફર કોલમ અંતર્ગત આપણને ફિલ્મો અને એની વિશેની વિગતોનો આસ્વાદ કરાવશે.

આજે અહીં એવી ત્રણ અભિનેત્રીઓની વાત કરવી છે કે જેમણે દરેકે ફક્ત અને ફક્ત કોઈ એક જ નિર્માતાની ફિલ્મો કરી અથવા કેવળ એક જ અભિનેતા સાથે કામ કર્યું હોય, અન્ય કોઈ બહારના બેનરમાં એક પણ ફિલ્મ ન કરી હોય.

સંધ્યા કે જેમણે ફક્ત નિર્માતા નિર્દેશક વ્હી શાંતારામની જ ફિલ્મો કરી.
કલ્પના કાર્તિક કે જેમણે દેવ આનંદ સાથે જ કામ કર્યું.
પ્રિયા રાજવંશ કે જેમણે ફક્ત ચેતન આનંદની જ ફિલ્મો કરી.

આ ત્રણે ય અભિનેત્રીઓની સરખામણી એક મેક સાથે કરવી શક્ય નથી. તે તમામની પારિવારિક, અભ્યાસ કે અભિનયની બાબતો એ બધું દરેકથી અલગ રહ્યું છે. તેમનાં દેખાવ, તેમણે પડદા ઉપર ભજવેલ ભૂમિકા કે તેમણે જેમાં અભિનયનાં ઓજસ પાથર્યા તેવી ફિલ્મોની સંખ્યા એ બધું અલગ બાબત બની જાય છે. તેમની એકબીજા સાથે કોઈ સરખામણી થઇ શકે તેમ નથી, તો પછી તફાવતની તો વાત જ ન થાય ને ? આમ છતાં આ ત્રણેય ને અહીં એક સાથે લેવાનું કારણ ઉપર જણાવ્યું તે એ જ છે કે આ દરેકે ફક્ત ને ફક્ત એક જ નિર્માતા સાથે અભિનય કર્યો. અને એક કારણ એ પણ ખરું કે આ અભિનેત્રીઓ આ નિર્માતા નિર્દેશક સાથે અંગત સંબંધોથી જોડાયેલ હતી. સંધ્યા એ શાંતારામની ત્રીજી પત્ની બની, કલ્પના કાર્તિક અને દેવઆનંદ ફિલ્મ ટેક્સી ડ્રાઈવરના સેટ ઉપર જ પરણ્યાં અને પરિણીત ચેતન આનંદે પ્રિયા રાજવંશને નામ વગરના સંબંધે બાંધેલી રાખી. તેણે એક ફ્લેટ ભેટમાં આપ્યો અને આર્થિક મદદ કરતા રહેલા. માણસો જેને રૂપ કહે છે તે બાબતે આ સૌ અભિનેત્રીને રૂપાળી કહી શકાય, પણ અભિનય બાબતે બધાની માફક તેઓની પણ મર્યાદા રહી છે. આ લખાય છે ત્યારે સંધ્યા અને કલ્પના વયોવૃદ્ધ થયાં છે અને કુદરતે પ્રિયાને તે તક ન આપી. ઉપરાંત કરુણતા એ છે કે પ્રિયાનું અવસાન કોઈ માંદગી કે અકસ્માતને કારણે નથી થયું, પણ મિલકતના મુદ્દે તેણીની ઠંડે કલેજે હત્યા કરવામાં આવેલી. આમ આ રીતે જોઈએ તો આ ત્રણ પૈકી અત્યારે કોઈ સક્રિય નથી.

સૌથી પ્રથમ સંધ્યા વિષે વાત કરીએ.


૨૭/૦૯/૧૯૩૮ ના દિવસે કોચીમાં એક દેશમુખ અટક ધરાવતાં મરાઠી પરિવારમાં તેમનો જન્મ થયો. નામ રખાયું વિજ્યા. ૧૩/૧૪ વર્ષની વયે લગભગ ૧૯૫૧ની સાલમાં તેમનું ધ્યાન છાપામાં આવેલી એક જાહેરાત ઉપર પડ્યું. વિજ્યા અને બહેન વત્સલાએ ધ્યાનપૂર્વક જાહેરાત વાંચી. જાણીતા નિર્માતા નિર્દેશક વ્હી. શાંતારામ ફિલ્મ ‘અમર ભૂપાલી’ બનાવવા માટે એક નવા તાજા મહિલા ચેહરાની શોધ કરતા હતા. અને રસ ધરાવનારે તેમને મળવા જવાનું હતું. સાથે જવાને બદલે વત્સલાએ વિજ્યાને મોકલી દીધી. વિજ્યાનો સ્ક્રિન ટેસ્ટ લેવાયો. વિજ્યાએ કોઈ નૃત્યની તાલીમ નહોતી લીધી. શાંતારામને કોઈ ખાસ સંતોષ ના થયો. પરંતુ વિજ્યાનો અવાજ તેમને સ્પર્શી ગયો. નૃત્ય તો શીખી શકાય. ગુણવંતીના પાત્ર માટે વિજ્યા દેશમુખ પસંદ થઈ ગઈ. અને પડદા માટે શાંતારામે તેને નામ આપ્યું સંધ્યા ! અને ‘અમર ભુપાલી’ (૧૯૫૨)ની સફળતાએ સંધ્યા ખીલી ઉઠી.

૧૯૫૨ માં જ પ્રણય ત્રિકોણ ધરાવતું ‘પરછાંઈ’ આવ્યું. શાંતારામ પોતે તેમાં હીરો હતા અને તેમની પત્ની જયશ્રી અને ત્રીજો ખૂણો તે સંધ્યા. સિલસિલાના વર્ષો પહેલાં ‘પરછાંઈ’ આવેલું, તેમાં શાંતારામે અંધ વ્યક્તિની ભૂમિકા અદા કરેલી. આ ફિલ્મમાં સંધ્યાનું નામ કિશોરી હતું. અપની કહો, કુછ મેરી સુનો, ક્યા દિલ કા લગાના ભૂલ ગયે..ગીત વખતે સંધ્યાના નૃત્યના સ્ટેપ્સ યાદ છે ને ? ૧૯૫૩ની ફિલ્મ ‘તીન બત્તી ચાર રાસ્તા’ માં શ્યામ યુવતી શ્યામા કોકિલની વાર્તા હતી પણ ૧૯૫૫ ની *તમારા ભાઈ ! તમારા ભાઈ પાયલ બાજે..! * કે *જનક જનક પાયલ બાજે!!!!? માં સંધ્યાએ નૃત્યાંગના નીલાનું પાત્ર ભજવેલું. આમાં તે કથ્થક કરે છે. વાસ્તવમાં તેણીએ નૃત્યની પદ્ધતિસર તાલીમ લીધી નહોતી, તેથી નૃત્ય નિર્દેશક અને તે ફિલ્મના હીરો ગોપીકૃષ્ણ પાસેથી તેણે આકરી તાલીમ લીધી. રોજના અઢાર કલાક સાધના ચાલતી. આ એક સીમા ચિહ્ન રૂપ ફિલ્મ બની રહી. ચાર ફિલ્મફેર એવોર્ડ અને એક નેશનલ એવોર્ડ આ ફિલ્મે અંકે કરેલા. ૧૯૫૮ની ‘દો આંખે બારહ હાથ એ પ્રયોગલક્ષી ફિલ્મ હતી. હત્યારા બંદીવાન માટે ઓપન જેલનો પ્રગતિકારક વિચાર એ સમયે કેટલો એડવાન્સ ગણાય નહીં ? રમકડાં વેચતી બાઈની ભૂમિકામાં આ ચંપાએ પ્રાણ પૂરેલા. ૧૯૫૯માં આવેલ નવરંગ એ હિન્દી સિનેમા ઉદ્યોગનું સુવર્ણ પૃષ્ઠ ગણાય છે. જમુના નામની સાદી ગૃહિણીમાં તેના પતિને મોહિની નાં દર્શન થાય છે. આઝાદી પહેલાં શાંતારામે બનાવેલ ફિલ્મ શકુંતલા ની રીમેક “સ્ત્રી” ૧૯૬૧માં બનાવી, જેમાં સંધ્યા શકુંતલા બનેલી. ૧૯૬૩ માં *સેહરા, ૧૯૬૬ માં લડકી સહ્યાદ્રી કી, ૧૯૭૧ માં જલ બિન મછલી નૃત્ય બિન બીજલી અને ૧૯૭૨ માં પીંજરા એ સંધ્યાનું આખરી ચિત્ર. પછી નિવૃત્તિ લીધી અને જાહેરમાં આવવાનું બંધ કરી દીધેલું.

શાંતારામે ત્રણ લગ્ન કરેલાં. પ્રથમ પત્ની વિમલા. તેમનાંથી પ્રભાત, સરોજ અને ચારુશીલા એમ ત્રણ સંતાન. પછી તેમનાં જીવનમાં જયશ્રી આવી જેણે ડૉક્ટર કોટનીસ કી અમર કહાની અને પરછાંઈ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. જયશ્રી દ્વારા તેમને કિરણ નામે પુત્ર અને રાજશ્રી અને તેજશ્રી એમ બે પુત્રીઓ પ્રાપ્ત થઇ. સંધ્યાને કોઈ સંતાન નથી. રંજના દેશમુખ એ તેમની ભત્રીજી. તેણે ચાની ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવેલું. સંધ્યાને અન્ય નિર્માતાઓ તરફથી કામ કરવા ઓફરો આવતી, પણ ક્યારે ય કોઈ ઓફર સ્વીકારી નહિ. આજે તો સાવ વૃદ્ધ બની ગયાં છે અને જીવન વ્યતિત કરી રહ્યાં છે.

દેવઆનંદનાં જીવનસખી કલ્પના કાર્તિક વિષે જોઈએ.


૧૯/૦૯/૧૯૩૧ ના રોજ લાહોરમાં ખ્રિસ્તી પરિવારમાં જન્મેલ મોના સિંઘ અને પરિવાર દેશનાં ભાગલા થતાં સીમલા આવી ગયેલા. પાંચ ભાઈઓ બહેનોમાં મોના સૌથી નાની. સીમલાની સેન્ટ બેડ્સ કોલેજમાં ભણતી આ યુવતીએ સૌન્દર્ય સ્પર્ધામાં મિસ સીમલા નો ખિતાબ જીતેલો. ફિલ્મ નિર્માતા ચેતન આનંદનું ધ્યાન, આ યુવતી ઉપર પડ્યું. અને એ સહજ હતું. એક તો તેમને હવે પછીની ફિલ્મ આંધિયા માટે નવો ચેહરો જોઈતો હતો અને તેમનાં પત્ની ઉમા આનંદની માતા, આ રૂપાળી મોનાની કઝીન થતી હતી. ફિલ્મ બાઝી માં મોનાને પ્રથમ બ્રેક મળ્યો. ચેતન આનંદે મોનાને ફિલ્મી પડદા માટે નામ આપ્યું કલ્પના કાર્તિક (આ અગાઉ ચેતને ઉમા કશ્યપને ‘કામિની કૌશલ’ બનાવી હતી, તે જાણ સારું.) બાઝી નું દિગ્દર્શન દેવના મિત્ર ગુરુદત્તે કરેલું. દેવાનંદ-ગીતાબાલીના સાથ હેઠળ કલ્પના કાર્તિકની અભિનય સફરનો સરસ આરંભ થયો. ગીતાબાલીની જેમ કલ્પનાને પણ ગીતાદત્તનું પ્લે બેક મળ્યું અને બર્મન દાદાનું સંગીત ગુંજી ઉઠ્યું. બાઝી માં કલ્પના, ડોક્ટર રજની બની હતી. પછીના વર્ષે આવેલી, ફિલ્મ આંધિયાં માં કલ્પના સેકન્ડ લીડમાં હતી. આ ફિલ્મ ખાસ ચાલી નહોતી. ૧૯૫૩ ની ફિલ્મ હમસફર પણ દેવ સાથે જ હતી. ૧૯૫૪ માં ફિલ્મ ટેક્સી ડ્રાઈવરમાં સંગીત ક્ષેત્રે નામ કમાવવા વતનમાંથી મોહમયી નગરી મુંબઈમાં આવેલી માલાની ભૂમિકા કલ્પનાએ ભજવી. તે ગાળામાં સુરૈયાના ગળાડૂબ પ્રેમમાં પડેલ દેવઆનંદ, આજની ભાષામાં કહીએ તો બ્રેકઅપનો ભોગ બનેલો. દેવ-સુરૈયાને જાતિવાદી પરિબળોએ એક થવા ન દીધાં. સુરૈયાએ દેવને કહેવરાવ્યું કે,
“દુનિયા તેમને એક થવા નહિ દે, તેથી દેવે કોઈ યોગ્ય પાત્ર મેળવીને પરણી જવું”. સુરૈયાએ નક્કી કરી નાખેલું કે દેવ સિવાયના તમામ પુરુષો તેને માટે ભાઈ બાપ. સુંદર અને ટેલેન્ટેડ ગાયિકા અભિનેત્રી તૂટેલા હૃદય સાથે આજીવન અપરિણીત રહી પણ તેણે દેવને લગ્ન કરી લેવા કહેલું. તેથી ફટાફટ નિર્ણય લેનાર દેવે, ટેક્સી ડ્રાઈવરના સેટ ઉપર જ કલ્પના કાર્તિકને તેની સાથે જીવન જોડવા પૂછ્યું અને ‘હા’ આવતાં સેટ ઉપર જ તાબડતોબ લગ્ન કરી લીધાં. પછીના વર્ષે આવેલ ફિલ્મ હાઉસ નંબર ૪૪ માં પતિપત્ની બનેલાં દંપતીએ, હીરો હિરોઈન તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં ફૈલી હુઇ હૈ સપનોં કી રાહેં, આજા ચલ દે કહીં દૂર…કેવું ફિક્સ બેસી ગયું નહિ ? ૧૯૫૭ માં આવેલ ફિલ્મ ‘નૌ દો ગ્યારાહ’ એ તેમની છેલ્લી ફિલ્મ. પછી કલ્પનાએ નિવૃત્તિ લીધી. સુનીલ નામે દીકરો અને દેવીના નામે દીકરી એમ બે સંતાનોના ઉછેરમાં કલ્પનાએ ઘર સંભાળ્યું અને સમય મળતાં પડદા પાછળ રહીને ‘તેરે ઘર કે સામને’, ‘પ્રેમ પુજારી’, ‘શરીફ બદમાશ’, ‘હીરા પન્ના’ અને ‘જાનેમન’ જેવાં ફિલ્મોનાં નિર્માણની ધુરા સંભાળી.

જીવનના પાછલા વર્ષોમાં એ બે ભાગ્યે જ સાથે જોવાં મળતાં. કહેવાય છે કે કોઈ બાબતે કલહ થયો અને અબોલાની સ્થિતિ ઉભી થઇ. આમ છતાં એ બંનેમાંથી કોઈએ, કોઈને, ક્યારે ય કશુંય કહ્યું નહિ, તે એ બંનેની ખાનદાની દર્શાવે છે. દેવ આનંદના અવસાન પછી હાલ તેઓ મુંબઈમાં પુત્ર સાથે પાછલી અવસ્થાનાં દિવસો પસાર કરી રહ્યાં છે. એક વિશેષ માહિતી એ છે કે દેવઆનંદ અને સુનીલદત્ત ફેમીલી ફ્રેન્ડ હતાં. દેવ કલ્પના અને સુનીલ નરગીસ અવારનવાર મળતાં રહેતાં. તેમનાં આ સંબંધને કારણે દેવને ત્યાં પુત્ર જન્મ્યો તેનું નામ પણ સુનિલદત્ત પરથી જ સુનીલ રાખવામાં આવેલું. આ સુનીલ અભિનયમાં નિષ્ફળ ગયેલો તેથી સ્ટુડીઓ અને બેનર સંભાળે છે.

ત્રીજી દેવી વીરા સુંદર સિંઘ એટલે કે પ્રિયા રાજવંશ છે. ૩૦/૧૨/૧૯૩૬માં સિમલામાં જન્મેલ આ પંજાબી યુવતી, એ પણ ચેતન આનંદની શોધ. ફિલ્મી નામ આપવામાં તેઓ ચેતનવંતા હોવાથી આ યુવતીનું નામ આપ્યું પ્રિયા રાજવંશ. તમે એ નોંધ્યું ? કે ચેતન આનંદ પોતે એમના નામમાં બે શબ્દો ધરાવતા. ચેતન એક અને આનંદ બે. એટલે તેમણે જે અભિનેત્રીનાં નામ પડ્યાં એ બધાં બે શબ્દ વાળા રાખ્યાં. કામિની કૌશલ, કલ્પના કાર્તિક અને પ્રિયા રાજવંશ.

આપણા દેશ ઉપર ચીને ૧૯૬૨માં આક્રમણ કર્યું, ત્યારે યુદ્ધ ઉપર આધારિત ફિલ્મ હકીકત નું નિર્માણ ચેતને કર્યું અને તેમાં પ્રિયા રાજવંશને રજુ કરી. આમાં ચેતને લેખન અને દિગ્દર્શન પણ કર્યું. કાતિલ શિફાઈ અને મજરૂહ સુલતાનપુરીના ગીતોને મદનમોહનનું સંગીત મળ્યું. પ્રિયા ઉપર ફિલ્માવાયેલ ગીત જરા સી આહટ હોતી હૈ ઔર દિલ સોચતા હૈ, કહીં યે વો તો નહીં આજે ય લોકપ્રિય રહ્યું છે. ૧૯૭૦ની રંગીન ફિલ્મ હીરરાંઝા એ પંજાબની બહુ જાણીતી હીર અને તેના પ્રેમી રાંઝાની કરુણાંત કથા પર આધારિત હતી. આ એક જોતાં મલ્ટી સ્ટાર કાસ્ટની ફિલ્મ પણ હતી. મદનમોહને કૈફી આઝમીના ગીતોને સ્વર બદ્ધ કરેલાં. આ ફિલ્મના સંવાદો ગેય હતાં, જે કૈફીની કમાલ હતી. રાજકુમાર અને પ્રિયાની આ જોડીને પછીની બે ફિલ્મોમાં ચેતને રીપીટ કરેલી.

૧૯૭૩ માં ફિલ્મ હંસતે ઝખ્મ એટલે ચેતન આનંદનું બેનર. અહીં પણ નિર્માતા નિર્દેશક ચેતન પોતે હતા. યુવાઓનો માનીતો હેન્ડસમ નવીન નિશ્ચલ અને પ્રિયા સાથે જીવન અને બલરાજ સહાની હતા. ચેતન અને બલરાજ સહાની વર્ષો જૂનાં મિત્રો હોવાથી હકીકત હોય કે હંસતે ઝખ્મ કે પછી હિન્દુસ્તાન કી કસમ.. બલરાજ હોય જ. આ ફિલ્મમાં પણ કૈફી આઝમી અને મદન મોહનની જોડીએ સંગીત રસિકોને રીઝવી દીધાં હતાં. એ જ ગાળામાં બીજી એક યુદ્ધ આધારિત ફિલ્મ હિન્દુસ્તાન કી કસમ આવી. રાજકુમાર, પ્રિયા, અમજદ ખાન, અમરીશ પૂરી, બલરાજ સહાની એ બધાય ને ભેગા કરેલાં.

અગાઉ કરેલી ફિલ્મની રીમેક કરવાનું એક ઝનુન ઘણાં નિર્માતાઓ ધરાવતાં હોય છે. દેવ આનંદને સુરૈયા સાથે ચમકાવવા નવકેતનની સૌથી પહેલી ફિલ્મ અફસર બનાવી હતી. વર્ષો પછી આ અફસરને સાહિબ બહાદુર નામે ૧૯૭૭ માં દેવ આનંદ અને પ્રિયા રાજવંશને લઈને હિમાલય ફિલ્મ્સના નેજા નીચે ફરી બનાવી. દેવ અને ચેતન બન્ને આનંદ ભાઈઓનું સહિયારું સર્જન હતું અને દિગ્દર્શનનો દોર ચેતને સંભાળ્યો. મદનમોહન અને રાજેન્દ્રકૃષ્ણની જોડી અહીં સાવ નિષ્ફળ ગઈ. ઓમ પ્રકાશ, આઈ એસ જોહર જેવા જૂનાં અને અસરાની અને પેન્ટલ જેવાં નવાં કોમેડિયન લીધાં તો ય ફિલ્મમાં કોઈ ભલીવાર નહોતો. ૦૩/૦૪/૮૧ ને દિવસે રજુ થયેલ કુદરત ના નિર્માતા હતા.. બી એસ ખન્ના. ચેતન આનંદનું દિગ્દર્શન હતું. અહીં બીજા નિર્માતા હેઠળ ચેતને દિગ્દર્શન આપેલું. પુનર્જન્મની વાર્તા ધરાવતી ફિલ્મમાં સ્ટાર કાસ્ટ મોટી હતી. રાજેશ ખન્ના, હેમા માલિની, વિનોદ ખન્ના, રાજ કુમાર, પ્રિયા રાજવંશ, અરુણા ઈરાની વગેરે… આર ડી બર્મનના સંગીતે અને મોટા સ્ટારોએ ફિલ્મ સફળ કરી દીધી. ૧૯૮૬ ની હાથોં કી લકીરે એ પ્રિયાની છેલ્લી ફિલ્મ. સંજીવ કુમાર, ઝીનત અમાન, જેકી શ્રોફ, શોભા ખોટે, દીના પાઠક એ સૌ પ્રિયા સાથે હતાં. નિર્માતા નિર્દેશક ચેતન આનંદ અને સંગીત પ્યારે મોહન. આ ફિલ્મ બની કે નહિ, બની તો રજુ થઇ કે નહિ અને રજુ થઇ તો સફળ થઇ કે નહિ એ સંશોધનનો વિષય બને. પણ આ ફિલ્મના વાર્તા લેખક તરીકે નામ પ્રિયા રાજવંશનું બોલે છે !

ચેતન પરણેલા હતા, તેથી પ્રિયાને રહેવા તેમણે એક અલગ ફ્લેટ આપેલો. કોઈ નામ વગરનો તેમનો સંબંધ અને પ્રિયા પાછળ ખર્ચાતા નાણાં એ બધું ચેતન આનંદના દીકરાઓને નહિ રુચતું હોય. ચેતન હયાત હતા ત્યાં સુધી બાપ કમાઈ પર જીવનારા કંઈ બોલી શકે તેમ નહોતા. ચેતન આનંદના અવસાન પછી, એકલી રહેતી પ્રિયાને ઘેર પહોંચીને તેને રહેંસી નાખવામાં આવી. આ ખૂનનો આરોપ ચેતનપુત્રો પર આવ્યો. કોર્ટના કેસ તો યુગો સુધી ચાલે પણ પરણેલા પુરુષ પાછળ આખું આયખું કોઈ સ્ટેટ્સ વગર કાપવું કેટલું કપરું છે તે જગતે જોયું.

આ ત્રણ અભિનેત્રીઓ એવી રહી કે કોઈ એક જ બેનરને વળગેલી રહી. બહારના કોઈ નિર્માતા સાથે ક્યારે પણ કામ ના કર્યું. પરિણામે તેમની ફિલ્મી કારકિર્દી ટૂંકી રહી. પણ એક બાબત સરખી લાગે છે. તેમણે ઓછાં પણ જે કોઈ ગીતો મળ્યાં તે આજે પણ સંગીત ચાહકોના હોઠો ઉપર સફર કરે છે. પ્રિયાના આત્માની શાંતિ માટે અને સંધ્યા અને કલ્પનાના સારા સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ……

-મનહર શુક્લ

લેખક પરિચય:

નામ : મનહર રસિકલાલ શુક્લ
અભ્યાસ : બી કોમ.
જન્મ તારીખ : ૧૫ ઓગસ્ટ ૧૯૫૦
વ્યવસાય : બેંકની નોકરીમાંથી વય મર્યાદાથી નિવૃત્તિ.
ઈતર પ્રવૃત્તિઓ : અભ્યાસ કાળ દરમિયાન વાર્તા, કાવ્ય, નિબંધ અને નાટય લેખન. નાટય દિગ્દર્શન અને અભિનય. લેખન, કાવ્ય અને વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામો મેળવ્યાં.
પાદપૂર્તિ અને એક પાત્રિય અભિનયમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.
રેડિયો નાટક અને રેડિયો સીરિયલ ના એપિસોડ નું લેખન કાર્ય.
જુદા જુદા સામયિકોમાં સાંપ્રત સમયની વાતો, વાર્તાઓ અને લેખો પ્રગટ થયેલ છે.
હાસ્ય લેખન માટે સાપ્તાહિક કોલમ સમભાવ, મુંબઈ સમાચાર, અને જનસત્તા વર્તમાન પત્રોમાં લખી. આ સાપ્તાહિક કોલમનું કામ સતત પાંચ વર્ષ ચાલ્યું.
હાલમાં SBS બેંકના નિવૃત અધિકારીઓ દ્વારા બે ડિજિટલ મેગેઝિન daily base પર ચાલુ છે. તે પૈકી વિસ્મય. માં સિનેમા ઉપર અને સૃજન માં હાસ્ય લેખ રજૂ થતાં રહે છે.
ફિલ્મ સંગીત કાર્યક્રમો અંગે ભૂતકાળમાં સ્ક્રિપ્ટ લખવાનું કામ કરતો હતો.