વતન – રોક લો આજ કી રાત કો, આજ જાને કી ઝીદ ના કરો…

વતન. આ શબ્દ પુરુષ અને સ્ત્રી માટે જુદા અર્થોમાં પ્રયોજાય છે. સ્ત્રી માટે પિયર શબ્દ વધુ પોતીકો છે. પિયરમાં એ સહજ ભાવે ગમતો મુખવાસ થોડોક વધુ લઈને ખાઈ શકે છે, ઊંઘ પૂરી કરી શકે છે, ગમતી વાનગીઓનો ઓર્ડર મમ્મી/ભાભી પાસે કરાવી શકે છે. સાસરે સહજતાથી વહૂનો ભારેખમ અંચળો ઓઢી લેવો પડે છે. પિયર એ પ્રદેશ છે જ્યાં પતિ ય પછી આવે છે, પોતાના હોવાપણાનો અહેસાસ એની પહેલા આવે છે. પોતાનો હિંચકો, સેટી, થાળી થી લઈને લગ્ન પહેલાના સંસ્મરણોના ઘોડાપૂર પર સ્ત્રીનો એકમેવ હક પિયરમાં દર્શાવી શકાય છે, સંભારી શકાય છે. પુરુષનું વતન? એનું ફળિયું, એ ફળિયાની જાહોજલાલી, બે રૂપિયાની પેપ્સિકોલાની મૌજ, જૂના ધોકાનું બનેલું એ લાકડિયું બેટ, તૂટેલા બલ્બ, ટ્યૂબલાઈટના કાચ, સાઈકલનો નીકળી ગયેલો આરો, સમયના ઘાવ અને વારસાને સોડમાં તાણીને પડેલું પીળું થઈ રહેલું પુસ્તક, ગાયની ઢીંકને લીધે છાતી પર રહેલો કાયમી ખાડો, ધૂળથી ખરડાયેલા અને છોલાયેલા ઢીંચણ..આ બધા પુરુષના Scar (ઘાવ) હોય છે જેમાંથી એનું વતન અને વતનની યાદો ડોકીયા કરતી હોય છે.

સવારથી સાંજ સુધી નોકરી-ધંધે કુટાયા બાદ ઘેર પાછા ફરતી વખતે લાલ આકાશ જાણે રક્તિમ યાદોની ટીસ જન્માવી દે છે. મોટા શહેરમાં ઉજવાતા ઉત્સવો ય રૂટિન લાગે છે કેમકે એની રોનક અને ચમકદમક તો વતનની જેમ દૂર ધકેલાઇ ગઈ હોય છે. જન્માષ્ટમીમાં ‘નંદ ઘેર આનંદ ભયો’ હવેલીઓ પૂરતું સંભળાય છે. ઘરની નજીકના ચોકમાં તુલસીવિવાહ-જન્માષ્ટમી-રથયાત્રા વખતે થતી રંગોળીના રંગો કાળા ડામરની સડકો પર પથરાઈને આછા થઈ ગયા છે. વતન ખરેખર આપણાંમાંથી છૂટતું હોય છે ખરું? જવાબ સીધો નથી, સ્પષ્ટ નથી. પરંતુ જૂની શરદી જેમ ક્યારેક ઊથલો મારી દે એમ વતનની યાદ ક્યારેક તીવ્રતાથી આવી જાય છે, એમ જ.

અને એટલે જ, આપણી જેવા જ કેટલાક મિત્રો પોતાના વતનની યાદો પરથી અહીંયા ધૂળ ખંખેરશે અને આપણી સાથે એમના વતનની વાતો વહેંચશે… (અને એ બહાને માઉન્ટ મેઘદૂત પરથી ય ધૂળ ઉડશે.. 😉 )

પહેલી પોસ્ટ જે મિત્ર પાસેથી પ્રાપ્ત થઈ છે એ મિત્ર જેવીયન્સ નામના બ્લોગ પર કટારલેખક પણ છે. પૂરા નામ સંકેત વર્મા. આપના આ પાપી કાગડાના શહેર એવા ભાવનગરના એ વતની છે. એમને હવે કી-બોર્ડ હવાલે કરીએ છીએ. ઓવર ટુ સંકેત…

————————————————————————————————————————————-

                                          વતનની યાદોના ધુમાડા વચ્ચે…

“અંધારું થતું જાય છે. ગોઘૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એનાં કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ-બે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગોઘૂલિના સમયે અંધકારને પ્રકાશની મારામારી વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું. હું બંધુ-હીન નથી એમ કહેવા દેજો. વધું શું?”

આ કોણ લખે છે? આ લખે છે એ એ યુવાન છે જે કલકત્તાની એક કંપનીમાં મેનેજરની સારા પગારની નોકરી કરે છે. એની નજર સામે છે ભવિષ્ય, તકો, પૈસા, શહેરની બધાં ઇચ્છે એ લાઈફસ્ટાઇલ, ભૌતિક સુખો, સગવડો બધું જ! પણ એને ત્યાં, વતનથી દૂર, કાઠિયાવાડથી દૂર, એના વતનનાં પશુઓ દેખાય છે, ટોકરી સંભળાય છે, એને બસ દોડીને પાછા જવું છે. બધું છોડીને! બાળપણના મિત્રને એ પત્રમાં આ બધું લખે છે. મિત્રો કટાક્ષ કરે છે. કહે છે, શું બળ્યું છે કાઠિયાવાડમાં ! પણ આ કહે છે, “યસ કાઠિયાવાડ, આઈ લવ યુ” !

કોણ છે આ યુવાન?!

આ યુવાન છે ઝવેરચંદ મેઘાણી! મેઘાણી પાછા આવે છે. વતન આવે છે. ધરાઈને આવે છે. અને એના પછીની સફર બધાં જાણે છે.

કેમ વતન ખેંચતું રહે છે?! વર્ષો વિતી જાય છે, સેટલ થઈ જવાય છે, બધું ભૂલી જવાય છે પણ વતનની યાદો ધુમાડો બનીને મીઠી ખાંસી આપતી રહે છે. માણસ પેદા થાય છે, ઘરની બારીએથી ચંદ્ર જોતો જોતો, મમ્મીના હાથમાંથી છૂટીને, ચાલવાનું શીખતો શીખતો, શેરીમાં રમતો રમતો, યુનિફોર્મ પહેરીને સ્કૂલે જતો જતો, હાઈસ્કૂલમાં પહેલીવાર છોકરી સાથે ફરવા જાય છે, બોર્ડ એક્ઝામમાં મહેનત કરતો કરતો, જરા જરા રિસ્પોન્સિબલ બનતો બનતો, મોટો થઈ જાય છે. પછી? કૉલેજ ભણવા વતન છોડે છે. ઠીક છે ત્યારે બહું વતનની માયા પીડતી નથી. બસ જરા હોમ-સિકનેસ આવી જાય છે. રજાઓમાં ઘરે જઈ અવાય છે. પછી માણસ ભણી લે છે. હવે કમાવાનું છે. સલાડ ડેઝ પૂરા થઈ ગયા છે. રિસ્પોન્સિબલ બનવાનું છે. લગ્ન કરવાના છે. સાબિત કરી બતાવવાનું છે. કંઈક નવું કરી બતાવવાનું છે. કમાઈ દેખાડવાનું છે. મમ્મી-પપ્પા, ભાઈ-બહેન, શેરીનો ભાઈબંધ, સ્કુલની બહેનપણી, બનાવેલી બહેન, ચાની દુકાન, ઉજવેલા તહેવારો, પાસેનું મંદિર, ચપ્પલની દુકાન, ફેમિલી ડોકટર, બધું, આખેઆખું વતન, છોડી બતાવવાનું છે. છોડી જ દેવાનું છે. સાહસ કરવાનું છે. કમ્ફર્ટઝોન છોડીને ખુદને ચેલેન્જ આપવાની છે. વર્ષોથી પોતાના ગામ કે નગરમાં રહેતા સામાન્ય માણસને જોઈને માણસ વિચારે છે, “બસ પડ્યો રહીશ આની જેમ જ અહીં?”, “શું કરી લઈશ અહીંયા રહીને?” અને માણસ વતન છોડી દે છે. પછી એ નોકરી શોધી લે છે, નવો ધંધો શરું કરે છે, કમાઈ લે છે, આગળ વધે છે, નવા મિત્રો બનાવી લે છે, નવા સંબંધો બનાવી લે છે, ઘણાં લોકો એને ઓળખતા થાય છે, લાઈફસ્ટાઇલ બદલાય છે, નવું ઘર બનાવી લે છે, લગ્ન કરી લે છે, બાળકો સાચવી લે છે, બહુ બીઝી થઈ જાય છે…પછી એકદિવસ શેરીના ભાઈબંધનો ફોન આવે છે કાં તો ઘરેથી પેલી ફેવરિટ મીઠાઈની દુકાનનું પાર્સલ આવે છે અથવા ફેસબૂક પર સ્કૂલની સહેલી મળી જાય છે, નવા શહેરમાં ટ્યુશનનાં શિક્ષક મળી જાય છે, સ્કૂલના ગેટ-ટૂગેધરનું કાર્ડ આવે છે…અને માણસ વતનની યાદોમાં ખોવાઈ જાય છે, સાડા આંઠ વાગ્યાની ટ્રેઇન પકડી લેવાનું મન થઈ આવે છે, બધું ફરી પાછું જીવી લેવાનું, જોઈ લેવાનું મન થઈ આવે છે, માણસ વિચારવા માંડે છે! કેટલો બધો પસાર થઈ ગયો પોતે સમયમાંથી! કેટલું બધું એને યાદ ય નહોતું આવતું! પણ ઘણીવાર માણસને વતન બસ યાદોમાં જીવી લેવું પડે છે. એ ત્યાં પાછો જઈ શકતો નથી. પૂછો એમ. એફ. હુસૈનને, સલમાન રશદીને, સરહદે ગોળી ખાધેલા સૈનિકને, કાશ્મીરી પંડિતને, જીવ બચાવીને ભાગેલા પ્રેમીઓને, પાર્ટીશન-પીડિતોને…ઘણીવાર વતનની યાદો બહુ પીડા આપે છે. કંઈક એવું ઘટી ગયું હોય છે ત્યાં! બસ એ ભૂંસાઈ જાય તો મારી માટીને હું ભેટી પડું! માણસ વિચારે છે.

 

એરિક ચર્ચના ગીતના આ શબ્દો જુઓ:

Give me back my hometown

‘Cause this is my hometown

 

All the colors of my youth

The red, the green, the hope, the truth

Are beatin’ me black and blue cause you’re in every scene

My friends try to cheer me up get together at the Pizza Hut

I didn’t have the heart to tell them that was our place

These sleepy streetlights on every sidewalk side street

Shed a light on everything that used to be

 

Give me back my hometown

‘Cause this is my hometown

 

You can have my grandma’s locket

The knife out of my grandpa’s pocket

Yeah my state champion jacket

I don’t care you can have it

Every made memory

Every picture, every broken dream

Yeah everything, everything, everything

 

Give me back my hometown

‘Cause this is my hometown

 

અહીં એ જ વ્યથા છે, પ્રેમિકા દૂર જતી રહી છે, બ્રેકઅપ થઈ ગયું છે, પણ એની યાદો, તિતરબિતર, બિટર, બધે, પોતાના જ હોમટાઉનમાં ફેલાયેલી પડી છે. બસ, એ ભૂંસાઈ જાય અને મારું વતન મને પાછું મળે!

પણ કેમ આટલું બધું ખેંચે છે એ વતન? એ ગલીઓ, એ ઘર, એ માણસો, સ્કૂલનું જૂનું બિલ્ડીંગ, એ દોસ્તો, એ સમય…એમનો સાદ સૂકાતો જ નથી. કેમ?! શું છે કારણ? સાયન્સ કહે છે આનો જવાબ ઉત્ક્રાંતિમાં છે. સદીઓ પહેલા, જ્યારે શહેરો નહોતા, સરકારો નહોતી, દેશ નહોતા, ત્યારે, જ્યારે માણસ ફક્ત માણસ હતો ત્યારે, જંગલી દુનિયામાં સર્વાઇવ કરવા, પ્રિડેટર્સથી બચી રહેવા માણસ પાસે ગ્રુપમાં રહેવા સિવાય કોઈ રસ્તો નહોતો. કુદરતે એને ન તો તીક્ષ્ણ દાંત આપ્યા હતાં ન તો નહોર. આમ, સર્વાઇવલના પ્રેશરે અને ઉત્ક્રાંતિના મિકેનીઝમે માણસને પોતાનાં નજીકના, ફેમિલિયર એનવાયરમેન્ટમાં રહેવાની, સામાન્ય ભાષામાં કહો તો, ટેવ પાડી. અને એ ફેમિલિયારિટીથી દૂર જવું, ઝુંડથી દૂર જવું, એ એના જીવનું જોખમ હોવાથી, દૂર જતાં જ એને એ તરફ પાછો લાવવા એનું દિમાગ કામ કરવા લાગતું! એને એ ફેમિલિયારિટી તરફ ખેંચી જતું. સર્વાઇવલ માટે એ વધું ફેવરેબલ હતું! મોર્ડન વર્લ્ડમાં પણ હોમ-સિકનેસ પાછળ, હોમટાઉન નોસ્ટાલ્જિયા પાછળ હજુ પણ આ જ મિકેનીઝમ કામ કરે છે. માણસ યાદોથી ઘેરાઈ જાય છે.

પણ જૂનું બધું યાદ કરીને એ ઊંડો શ્વાસ લે છે અને ખુરશીમાંથી ઊભો થઈને પાછો નવી લાઈફમાં ઘૂસી જાય છે. અથવા બહુ ઓછા કેસમાં આગળ વધી ગયેલો, થોડો સફ્ળ થઈ ગયેલો માણસ વતન પાછો પહોઁચી જાય છે! પણ અંદર એક ઈચ્છા ઘણીવાર રહે છે: આ મજબૂરીઓ ન હોત તો દોડી જાત પાછો મારા ઘેર! એ વચ્ચેનો “તો” પાર કરીને એ કોઈવાર પહોંચી જાય છે પાછો વતન. પછી?

પછી એને જૂનું બધું જીવી લેવું છે. પણ વતન પણ બદલાઈ ગયું છે! જેમ પોતે બદલાયો છે સમય સાથે એમ! મોટા શહેરોમાં સમય તેજ ગતિએ દોડે છે, નગરોમાં નૉસ્ટાલ્જિક ફીલ આવે છે અને ગામડાઓમાં લોકો વાતો કરે છે, “તોય ઘણું બદલાઈ ગયું છે!”. થોડું-વધું, પણ સમય સાથે બધું ચોક્કસ બદલાય છે. પછી માણસ બધું શોધે છે, પણ પોતાના કપડાં સીવતો એ દરજી કદાચ મરી ગયો છે, બાજુમાં એક સાઈકલ સ્ટોર હતો જ્યાં એણે પંચર કરાવેલું, ત્યાં તો કોઈ મોટું બિલ્ડીંગ બની ગયું છે! ક્રિકેટ રમતા એ મેદાનમાં મકાનો ચણાયેલા છે, ઘરની બારીએથી પહેલા ટ્રેન દેખાતી, હવે ફલેટસ આડા આવે છે! ગરમા-ગરમ રોલક્રિમ બનતાં એ બેકરી ક્યાં છે? કરિયાણાની દુકાન ચલાવતા એ કાકાએ શહેર બદલી નાખ્યું છે, ગલીના નાકે રહેતી છોકરીના ય લગન થઈ ગયા હશે ક્યાંક! દૂધ આપવા આવતાં એ ભાઈ હજુ ય આવશે? ગામની બજાર સાવ બદલાઈ ગઈ છે!

શું આ બધાં માટે આવેલાં પાછા?! ક્યાં છે આ બધું?! પછી એ વિચારે છે,  વતનમાં પાછા આવી ગયા પણ એ સમય ક્યાંથી લાવશો પાછો?! તમને કોણ ખેંચી રહ્યું હતું, આ ધરતી કે આ ધરતી પર વિતાવેલો, વિતી ગયેલો સમય?! પછી માણસ વતનની થોડીઘણી હજુ પણ જેમની તેમ રહેલી, ન બદલાયેલી, વાતો, ચીજો, માણસો, સંબંધો શોધી કાઢે છે અને એને જીવી લે છે બસ! બાકીનું બધું જીવાય છે યાદોમાં, યાદોના મરવા સુધી!

इक याद बड़ी बिमार थी कल,

कल सारी रात उसके माथे पर,

बर्फसे ठन्डे चाँदकी पट्टी रख रख कर–

इक इक बूँद दिलासा देकर,

अज़हद कोशिश की उसको ज़िंदा रखनेकी!

पौ फटनेसे पहले लेकिन—-

आखरी हिचकी लेकर वह खामोश हुई!

~गुलज़ार

બાકીનું વતન ઘૂમરાતું રહે છે, કવિતાઓમાં, ફિલ્મોમાં, વાર્તાઓમાં, પત્રોમાં, યાદોમાં…!!

 

~ સંકેત

Advertisements
Leave a comment

2 Comments

  1. વાહ, સંકેતભાઈ.
    Nostalgia has came over.

    Reply
  2. मस्त sanket sir 🙂

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: