બક્ષી- ટૂંકી વાર્તાના લેખક તરીકે-1

ઘણા વખતે આ પોસ્ટ લખાઈ રહી છે એટલે શરૂઆત મોળી શા માટે કરવી એવું અમે વિચાર્યું. અને બક્ષીબાબુની તિથિ હમણાં ગત ૨૫ માર્ચે ગઈ. એટલે એમનાથી શરૂઆત કરીએ.

સૌથી પહેલા તો એ પ્રશ્ન થાય કે ટૂંકી વાર્તા એટલે શું? ના, આપણે સાહિત્યની વ્યાખ્યા વિશે વાત કરતાં નથી. આપણી સમજ એવી છે કે ટૂંકી વાર્તા એટલે નામ પ્રમાણે એનું કદ ટૂંકું હોય, બીજી વાર્તાઓમાં જેમ આવે એમ જ આદિ-મધ્ય-અંત હોય અને સમગ્રતયા રીતે લેખક જે વાત કહેવા માંગતો હોય એ એમાં આવી જતી હોય.

ટૂંકી વાર્તા લખવી મુશ્કેલ છે. એક વાંચક તરીકે અમે એવું નોંધ્યું છે કે પહોળા ફલકમાં લખાયેલી નવલકથાઓ બેશક મહેનત અને મશક્કત માંગી લે જ છે. પરંતુ, ટૂંકી વાર્તાઓમાં એવી સ્વતંત્રતા હોતી નથી. એમાં નિશ્ચિત નિયમોની અને લંબાઈની અંદર લેખકે પોતાની આવડત રજૂ કરી દેવી પડે છે. આ એવો તફાવત છે જેને તમે સ્કિટ અને એકાંકી વચ્ચેના તફાવતની જેમ સ્પષ્ટ રીતે અલગ પાડી શકો. લંબાઈ ઓછી હોવાને લીધે લેખકે જે વાત લંબાણથી કહેવી હોય એ બોન્સાઈ કરાતા છોડની જેમ કાપી-છાંટીને મૂકવી પડે છે. ટૂંકી વાર્તામાં રોજમર્રાની સિરિયલો જેવા બેહુદા અને પકાઉ  ટ્વિસ્ટ હોતા નથી. એમાં ઓવનની જેમ ધીમી આંચ પર ત્રણ કે ચાર મિનિટ સુધી રાખી દઈને વાનગી પકવી લેવાની હોય છે. ટૂંકી વાર્તાની શરૂઆતમાં નાટકની જેમ જ કોઈ પરિસ્થિતિ પરથી પડદો ઉઘાડવાની શરૂઆત થાય છે. મધ્યમાં પાત્રો, અણધાર્યા વળાંક, વાર્તાના મુખ્ય પ્રવાહને અનુરૂપ થોડું વર્ણન,  અને અંતમાં વાંચક સ્તબ્ધ થઈ જાય એવો છેલ્લો વળાંક. આટલું દરેક ટૂંકી વાર્તામાં હોય છે. જરૂરી નથી કે આ જ ફોર્મેટમાં વાર્તા કહેવાય. ફોર્મ બદલાઈ પણ શકે છે. પરંતુ, ટૂંકી વાર્તા એ લેખક થવા માંગતા વ્યક્તિ માટે પ્રેક્ટિસ છે. (સૌજન્ય: બક્ષી)

તો, એ મુદ્દો સ્પષ્ટ થાય છે કે ટૂંકી વાર્તા લખવી એ અંગ્રેજીના ફકરાની Precis કરવાની ક્રિયાની જેમ નકામી વસ્તુઓને કાઢી નાંખી મૂળ મુદ્દા પર ફોકસ રહે એવી ક્રિયા છે. બક્ષીએ જે ટૂંકી વાર્તાઓ આપી છે એનું સંપાદન  ‘બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ’ શીર્ષક સાથે પ્રગટ થયું છે. પુસ્તકનું કદ નાનું છે, હથેળીમાં સમાઈ જાય એવા એ પુસ્તકનું કન્ટેન્ટ જો કે ધીંગું છે, બળકટ છે. બક્ષીબાબુ એ એમના મિજાજ મુજબ જ  ‘નો-નોનસેન્સ’ પ્રકારની વાર્તાઓ લખી છે. બ્લોગર મિત્ર અને ખાસ તો અશ્વિની ભટ્ટના ચાહક એવા શ્રી ચિરાગ ઠક્કર પોતાની બ્લોગપોસ્ટમાં બક્ષીની આ ટૂંકી વાર્તાઓ વિશે પણ લખે છે અને બક્ષીના સદાબહાર અવતરણો ય નોંધે છે.

આપણે બક્ષીનાં એ લાજવાબ પુસ્તકનું વિહંગાવલોકન કરીશું. ના, બધેબધું તો નહીં કહીએ, પરંતુ અછડતો ખ્યાલ આવે એ હેતુથી રસાસ્વાદ માણીશું. (અને તોય: સ્પોઈલર એલર્ટ… 😉 )

પહેલી વાર્તા છે ગુડ નાઈટ ડેડી. બાપ વાર્તા કહે છે અને બેટી સૂઈ ગઈ હોય છે. બીજે દિવસે સવારની ફ્લાઇટમાં બેબી ઊડી જવાની છે. વાર્તા ઘણેખરે અંશે પિતાની અંગત જિંદગી પર આધારિત છે. એના થોડા વાક્યો:

” ટેબલ પર જૂની ડબલ લાઇનવાળી નોટનું પાનું ફફડયું. એ ઊભો થયો. હોમવર્કવાળી નોટ ઠીક કરીને બેગમાં મુક્તા એનાથી વંચાઇ ગયું. આડાઅવળા અક્ષરે અંગ્રેજીમાં પેન્સિલથી લખ્યું હતું : ફેરી પિન્ક કૂડ નોટ ફલાય, ફોર હર વિંગ્સ વેર વેટ. ”

બીજી વાર્તા નું શીર્ષક છે અઢી મિનિટની વાર્તા. પદ્યની રીતે કહેવાયેલી આ વાર્તાના રૂપકો અને વર્ણન પહેલી નજરે ન સમજાય. એના માટે વાર્તા બીજી વાર વાંચવી પડે. એના થોડા વાક્યો:

” પહાડી દરખ્તો અને શિખરો પર મંડરાતા ધુમ્મસોએ પૂછ્યું. વૃક્ષોમાં ફૂલો-ફળોના ડેરા લગાવીને લહેરાતી મૌસમોએ પૂછ્યું, ધુંધલકામાં સરાબોર, કરવટો બદલી બદલીને ગુમડાતા, ચકરાતા, લયમાં બલખાતા, ખુલા ખુલા અવાજોએ પૂછ્યું. ”

ત્રીજી વાર્તા છે આમાર બાડી,તોમાર બાડી, નોકશાલ બાડી. બક્ષીબાબુનું કલકત્તા શહેર ‘પરિણીતા’ કે ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ ના કલકત્તા જેવુ ભાસે છે. ક્લાસિક માઈલ્ડ સિગરેટ ના ધુમાડાની ગંધ જેવી કલકત્તાની ગંધ આ વાર્તામાં સ્પષ્ટ અનુભવી શકાય છે. બક્ષીબાબુની આ વાર્તા એ સમયના કલકત્તાના લોકાલને સરસ દર્શાવી આપે છે. એના થોડા વાક્યો:

” ધીરે ધીરે ગામો પસાર થવા લાગ્યા. બેલુડ, રીસડા, ફેક્ટરીઓનો ચમકતો રૂપેરી એલ્યુમિનિયમ રંગ, રેયોન ફેક્ટરીની બહારથી આવતી બદબૂ. પછી રબરનાં ટાયરોની ફેક્ટરી, ગૂડ્ઝના ડબ્બા, ગોડાઉનો પર જામી ગયેલી વર્ષોની કાલિખ, કામદારોનાં ઝૂંપડાં, કંપનીએ બનાવી આપેલો એક બગીચો, બાળકો માટેની સ્કૂલનું એક સાફસુતરું બેઠા ઘાટનું નાનું મકાન. ”

ચોથી વાર્તા છે મનોયત્ન. પ્રોફેસર અન્યકુમાર શાહ. એના ભૂતકાળના ઝખ્મો અને વર્તમાનમાં ખુશીની વચ્ચે અટવાતો પ્રોફેસર જીવવાનો પ્રયત્ન કરે છે એની વાત છે. એના થોડા વાક્યો:

” બાથરૂમમાં જઈને એણે એના હાસ્યને આયનામાં તપાસ્યું. પાપની ઓટ જોઈ. રૂમાં દોડતો આગનો તણખો જોયો. રાતના અર્ધ-પ્રકાશમાં આળોટતાં દસ લાખ માનવીય વર્ષો જોયાં. ‘વતન’ શબ્દમાંથી ઝરી જતો પરાગ જોયો. ચામડીનાં છિદ્રોમાં સંકોચાતી ગુફાઓ જોઈ. રોલ નંબર ૧૨૦ જેવો જ વિદિશાનો ચહેરો હતો. વિદિશા એની પહેલી પુત્રી હતી. ”

પાંચમી વાર્તા છે ચક્ષુ:શ્રવા. ચક્ષુ:શ્રવા એટલે જે આંખોથી સાંભળી શકે એ. સાપ મદારીની બીનના આધારે ડોલતો હોય છે. ૯૨ વર્ષના દાદા અને એમની પ્રપૌત્રી વચ્ચેની કાલી ઘેલી વાતોની વચ્ચે દાદા એમણે જોયેલી રંગીનિયત, મહેફિલો, જોયેલા પ્રદેશો-રજવાડાઓની ભૂખરી, સેપિયા સ્મૃતિઓમાં ટાઈમ ટ્રાવેલ કરે છે અને સ્કૂલે ગયેલી પ્રપૌત્રીને એક દિવસ અચાનક બપોરે સ્કૂલેથી રજા મળી જાય છે. જેનું કારણ જાણવા માટે તમારે આ વાર્તા વાંચવી પડશે. એના થોડા વાક્યો:

” પડદાઓ હાલતા ન હતા. એમનામાં હવાઓ રોકાયેલી હતી અને સમય બંધાયેલો પડ્યો હતો અને મખમલની સિલવટોમાં ધૂળની પર્ત ચોંટી જવાથી ત્યાં રંગો નિસ્તેજ થઈ ગયા હતા. દીવાલો હતી, લાકડાના પૉલિશ કરેલા દરવાજાઓ, ટેબલ પર ચમકતા કાંસાનું ચિરાગદાન હતું, જેની બહાર પાંખોવાળા નગ્ન કામદેવની સૌમ્ય મુર્તિ હતી. ”

(ક્રમશ:)

પાપીની કાગવાણી:

આટલી વાર્તાઓ વાંચો. બાકીની વાર્તાઓ વિશે પછીના એપિસોડમાં. 🙂

 

 

Advertisements
Previous Post
Leave a comment

1 Comment

  1. વાંચતા રહેવા અને ખાસ કરીને બક્ષીબાબુને વાંચતા રહેવાનું સુંદર માર્ગદર્શન મલ્યું.
    ઘણીવાર થાય કે બક્ષીબાબુનું કયું પુસ્તક શરૂં કરવુ??? એ દુવિધા સાથે એમના પુસ્તકોનું લીસ્ટ લઈને બેસીએ ને પછી એ જ જોતા રહી જવાય કેમકે જે નામ પર આંગડી મુકો એ જ શરૂં કરીશ એમ થાય,પણ આંખ યાદી પર આગળ ચાલી જાય …..પણ અહીં આપે નિર્ણય કરાવી આપ્યો. આભાર.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: