तेरा तुजको अर्पण…

“How about making an interview with Krushn?”

“hahaha ,are you serious?”

“Why not? Krushn ne redefine karvani jarur che. tne nthi lagtu?”

Image Courtsey: Vishal Jethva

“halop.hu draft banavu chu,joi leje… 😉 ”

આ સંવાદથી રચાઈ કૃષ્ણ ભાગ એક. અમને કોઈનેય નહોતી ખબર કે વખત જતા આ આખી સીરીઝ બનશે. 🙂 પહેલો ભાગ ટોટલી હર્ષે લખ્યો.બીજા ભાગમાં પ્રશ્નો ક્યાં અને કેવા લેવા એની મુંઝવણ થઇ ત્યારે પ્રશમે કી-ફેક્ટરની ભૂમિકા ભજવી. ત્રીજા ભાગનું શ્રી ગણેશ થતાની સાથે બે મોટ્ટા બનાવ બન્યા.એક, આ ટીમમાં અનુભવી અને ‘ક્રેક’ 😉 એવા ભુમ્સનું આગમન થયું અને બે, આ બ્લોગની વ્યુઅરશીપ હજારને અડી. 🙂

એક્ચ્યુઅલી, અમે પહેલા પણ આ સીરીઝમાં લખ્યું છે એમ- આ સંવાદ કૃષ્ણ જોડે નથી, આ પોતાનો પોતાની જોડેનો સંવાદ છે. લાઈફમાં ઘણીવાર કશ્મકશ અનુભવાતી હોય છે અને “કાશ!!” નો પડઘો મનમાં અફળાયા કરતો હોય છે.પરંતુ,એનો ઈલાજ નથી મળતો.એટલા માટે નહિ કે તમે ઈલાજ નથી ઇચ્છતા,પણ એટલા માટે કેમકે એ પડઘો તમારી જ અંદરની બળતરા,વેદનાનો અવાજ હોય છે જેને તમે પચાવી નથી શકતા. 😦

કૃષ્ણ આપણે ત્યાં એકમાત્ર એવા ગોડ છે જેને તમે જેવી રીતે જુઓ,એવા એ દેખાય છે. એ એક રીતે મેટાફોર છે એટલે પાણીની જેમ ગમે ત્યાં આકાર મુજબ ફીટ થઇ જાય છે. તમે તમારી લાઈફનો કોઈ પણ પ્રશ્ન લો,વિચારો કે તમારી જગ્યા એ કૃષ્ણ હોત તો શું કર્યું હોત? અંદરથી જે જવાબ મળે,એ મુજબ એપ્લાય કરવાનું,કોઈ દિવસ ઠેબા નહિ આવે..જાવ…આ અનુભવ સિદ્ધ હકીકત છે. 🙂

કૃષ્ણને વધુ સમજવા માટે અમને મદદરૂપ થવામાં અમને ઘણા પુસ્તકોએ રાહ ચીંધી છે. હરીન્દ્ર દવે સાહેબનું ‘માધવ ક્યાય નથી ‘, શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યની ‘કૃષ્ણાયન’, ‘ભાગવત’, ‘હરિવંશ’ જેવા સંદર્ભગ્રંથો, જયભાઈના કૃષ્ણ પરના આર્ટીકલ્સ,અમારું કૃષ્ણ અંગેનું ચિંતન,મંથન, અનેક જિંદગીઓમાં બનેલા સાચા પ્રસંગો….આ બધું આખી સીરીઝમાં પડઘાય છે,અફળાય છે અને છેવટે તમારા એટલે કે રીડર્સના મગજ પર ફીણ બનીને પ્રસરી જાય છે.

આ પોસ્ટ/સીરીઝ કઈ બણગા ફૂંકવા કે કોઈની કૃષ્ણ/લાલા/ઠાકોરજી પ્રત્યેની અતુટ ધાર્મિક નિષ્ઠાને સળી કરવા માટે નથી લખી. આ સીરીઝ લખી છે એ પ્રશ્નોના સમાધાન મેળવવા માટે,કે જેમાં અમે કે દુનિયાનું કોઈ પણ વ્યક્તિ-ક્યાંક કશુક ભૂલી ગયું છે,કશુંક ખોવાય ગયું છે.એ શું એનો જવાબ મેળવવા માટે જ આ પ્રશ્નો લખાયા અને પબ્લીશ કરાયા.

શું કૃષ્ણ ખરેખર અવતાર લેવાના નથી હવે આ પૃથ્વી પર? વેલ,જવાબ અમને નથી ખબર પણ એવું ક્યાંક વાંચેલું હતું કે-“અર્જુન, માણસે શું કરવું ન કરવું એ બધું મેં ગીતામાં કહી દીધું છે.હવે એણે પોતાનો ઉદ્ધાર જાતે કરી લેવાનો રહેશે.હું આ પૃથ્વી પર અવતાર લેવાનો નથી.” 😦

આ બધી વાતમાં તમે એ માર્ક કર્યું હશે કે આપણે માત્ર સોલ્યુશન માંગ્યા છે કૃષ્ણ પાસે. કદીય એમની પીડા,એમના આંસુ,એમનો વિષાદયોગ જાણવાની ટ્રાય કરી છે? કેવું થયું હશે એમને જયારે કર્ણ કુંતીપુત્ર છે એ ખબર હોવા છતાંય બાકીના પાંચ પર આપત્તિ ન આવે એ માટે એ ટ્રુથ અંદર ધરબી રાખ્યું હશે? કેવું થયું હશે જયારે ગાંધારીના શ્રાપની અસર હેઠળ સમસ્ત યાદવ કુળને પોતાની નજર સામે ધૂળમાં રગદોળાતું જોયું હશે? અને જયભાઈના જ શબ્દોમાં કહીએ તો “કદાચ કૃષ્ણ અંદરથી સાવ થાક્યા હતા,જીજીવિષાનું તેલ ખૂટતું જતું હતું. અને એટલે જ પારધીનું બાણ વાગતા જ જન્મથી છુપાવેલું રુદન સપાટી પર આવી ગયું અને પ્રાણત્યાગ થઇ ગયો.”

મિત્રો,કૃષ્ણ કદાચ સદેહે હાજર નથી પરંતુ એમની ચેતનાના અંશ એટલે કે આપણે એમને કાયમ પોતાની પાસે મહેસુસ કરીએ છીએ.હા, દિલથી યાદ કરવા પડે અને જયારે દિલથી યાદ કરો ત્યારે [પૂજ્ય ડોંગરેજી મહારાજના કહેવા મુજબ]-“બ્રમ્હ તરત આંખ સામે આવી જાય છે.”

કાજલ મેમના શબ્દોમાં “ત્વદીયમસ્તિ ગોવિંદ તુભ્યદેવ સમર્પયતે ” [હે ગોવિંદ, આ તમે આપેલું તમારા માટે અર્પણ કરું છું.] 😦 🙂

પાપીની પીડા:

કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે
કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે?

રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે

કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે

વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે

એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં સ્વયમ પોતે જ હિસ્સેદાર છે.

                             –  હિતેન આનંદપરા

Q & A with our beloved Yuva God Krushn 6

“બાપુ એક કટિંગ આપજો ને” રવિવાર ની સવારે મારી અન્યુંઝૂઅલ રખડપટ્ટી ની શરૂઆત ચા ના એક કોટા થી કરવી એવું નક્કી કર્યું એટલે રૂમ ની બહાર ચા ની લારી એ ગયો હતો.
“ઓયે પ્રશમ!! એક મારીય મગાવી  લેજેને, આપણે બેસીને વાત કરવાની હતી યાદ છે ને?” પાછળ થી એક અવાજ આવ્યો, પાછળ જોયું તો સર્વદમન બેનર્જી જેવા લગતા એક સાહેબ મને કહી રહ્યા હતા.

હું વિચાર માં પડી ગયો, સર્વદમન બેનર્જી મને ઓળખે? એ ય પાછા એટલા નવરા કે રવિવારે સવારે મારી હારે ચા પીવે? પણ વેઇટ, હું સર્વદમન બેનર્જી ને નથી મળ્યો, રૂબરૂ માં વાત પણ નથી કરી. અને કરી હોય તો એ તો ચોક્કસ યાદ છે કે મેં બેઠી ને વાત કરવાનું નો કઈ કીધું જ નોતું……તો આ કોણ છે સર્વદમન બેનર્જી ના રૂપ માં જે મને ચા પીવાનું કે છે…

અચાનક યાદ આવ્યું….. ઓત્તારી!!!!  આ તો કૃષ્ણ, સર્વદમન બેનર્જી ના રૂપ માં, બહુ ટાઈમ પહેલા મમ્મી ને કરેલી સાવ મુર્ખ જેવી વાત યાદ આવી ગઈ કે ભગવાન ને ચા પર બોલાવી ને સીરીયસ ડિસ્કશન કરવી છે, એન્ડ હિયર હી ઈઝ…… તરત જ બાપુ પાસે ચા કેન્સલ કરાવી અને કીધું, ભગવાન, તમારા ભક્તો તમને તેત્રીસ પકવાન અને છપ્પન ભોગ ધરાવે છે, મને એવું કરવાની ઈચ્છા નથી પણ હાલો, તમને મસ્ત કોફી પીવડાવું….

કટ ટુ : બરીસ્તા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મસ્ત ટેબલ પર હું અને ભગવાન બેઠા હતા, કોફી આવવાને થોડી વાર હતી.

ભગવાન: બોલ, શું કામ હતું મારું?
હું: એઝ યુંઝુઅલ થોડા સવાલ જે મન માં ને મન માં મૂંઝાતા હતા, એનો જવાબ શોધું છું.

ભગવાન: એ માટે જ તો હું છું!! ચલ તો પછી, શૂટ યોર ક્વેશ્ચન્સ….

પ્રભુ, પહેલા તો એ કહો, કે તમે સર્વદમન બેનર્જી ના રૂપે જ કેમ દેખાયા? બીજું કોઈ રૂપ ન મળ્યું તમને?
આનો જવાબ તારી અંદર જ છુપાયેલો છે, નાનપણ માં તું શ્રી કૃષ્ણ સીરીયલ જોતો, યાદ છે? એમાં એ સર્વદમન બેનર્જી મારો રોલ કરતો. ત્યારનું તારા મન માં એમ જ છે કે કૃષ્ણ એટલે સર્વદમન બેનર્જી. આમાં તારો વાંક નથી, આજકાલ બધાજ લોકો મને અને મારા દોસ્તો ને પોત પોતાના નજરિયા થી જ જુએ છે, અને અમારા વિધાનો ના પોતાને ગમતા અને યોગ્ય લગતા અર્થ જ કાઢે છે…

તમારા દોસ્તો??


હા યાર!! અહિયાં પૃથ્વી પર તમે બધા, અમારા ફ્રેન્ડસ કમ ફોલોઅર્સ અને ઉપર અમે બધા, હું, શિવ, ગૌતમ, મહાવીર, ઇસુ, મુહંમદ અમારે બધાને એકબીજા હારે સારું ભળે. 🙂 યુ સી!! આમ તો અમને ઘણા બધા સાથે બહુ સારું ભળે છે પણ અમે બધા સમદુખિયાઓ એકબીજાની નજીક છીએ.

હમ્મ્મ્મ સમદુખિયા ઓ , એક રીતે જોતા તમે બધા ઘણો સરખો મેસેજ આપો છો, સાલા બધા ધર્મ ગ્રંથો માણસજાત સાથેની લવસ્ટોરી હોય એવું જ લાગે છે, પણ તોય બધા ધર્મો માં અલગાવ કેમ?

પ્રેમના અનેક રંગ હોય છે, કરુણા, સાહચર્ય, અને ઇવન જનૂન પણ પ્રેમ નો જ એક ભાગ છે. પ્રેમ માં વિજ્ઞાન પણ ભળી શકે પ્રેમ માં પોતાનાઓની રક્ષા કરવાની લાગણી સવાર થઇ જાય… બસ અહી આવતા પહેલા અમે બધાએ એક એક પોઈન્ટ પકડી લીધો હતો.  પ્રેમ એ સફેદ રંગ છે, “અલાઈ પયુથે” ના “પચ્છાઈ નીરમે” ગીત ની જેમ તમે તમારા પ્રેમ ને ગમે તે રંગ માં કલ્પી શકો કારણકે બધાજ રંગ છેલ્લે સફેદ જ બની જાય છે. હવે કોઈ એમ કહે કે જાંબલી સારો, અને કોઈ એમ કહે કે પીળો સારો. પાછો ત્રીજો લીલા રંગ નું ખેચે, મને તો એ ચિંતા થાય છે કે આ બધા રંગો ની ખેંચતાણ માનવજાત ને કફન ના સફેદ રંગ સુધી ન લઇ જાય.

બહુ મોટો પોઈન્ટ બહુ પોઝીટીવલી સમજાવ્યો, પણ પ્રભુ! પોઝીટીવલી જીવવું એટલે ઇડીયટ બની ને રહેવું એવું?


લાગે છે હજી પ્રિન્સ મિશ્કીન ઉતરતો નથી તારામાંથી હેં?? પોઝીટીવલી જીવવું એટલે લોકો ના મતે મૂર્ખતા જ કરવી, જેમકે કોઈ ની ગાળો સો વખત ખાવી. આખા દેશ નું ભ્રમણ કરવું પણ પોતાની વહાલી જન્મભૂમી પર કદી પગ ન મૂકી શકવો, તમને ખબર છે કે સામેવાળો તમને દુશ્મનો ના હાથમાં પકડાવી દેવાનો છે, છતાય એને એટલી જ સહજતા થી આવકારવું, કોઈ એક લાફો મારે એટલે બીજો ગાલ ધરવો. આજની તારીખે આ બધી ISO સર્ટીફાઈડ મૂર્ખતા છે. પણ આ મૂર્ખતા કરવા માટે પણ શક્તિ જોઈએ-સહનશક્તિ. દુનિયા હંમેશા બધું મેળવવા પાછળ જ ભાગે છે, પણ એના માટે જે ગુમાવવું પડે એનેય પકડી રાખવું છે. તમાકુ અને દારૂ તો લોકો ને મોત ની પાછળ ઝડપથી દોરી જાય છે, પણ એ સિવાય પણ ઘણી વાતો છે જે લોકોને મોત સુધી દોરી જાય છે.

જેમકે?


તને ખબર છે કે ઝઘડા ક્યાં પોઈન્ટ પર થવાના છે, વાત સાવ નાની છે અને તું સાચો છો. પણ સામેવાળો ઉગ્રતા થી કહે છે અને તું સાચો છો એ કોઈ કારણ નથી કે તું તારી વાત ને ડબલ ઉગ્રતા થી કહે. યાદ રાખજે ઝઘડા પોતાના લોકો વચ્ચે જ થાય છે, જેની સાથે સુવે છો, જેની સાથે ચા પીવા જા છો કે જેના સ્ટેટસ ને લાઈક કે રીટ્વીટ કરે છો એની સાથે જ ડીફરન્સ થવાના છે, અને ઝઘડા થવાના છે. અને ઝઘડા નું પરિણામ શાંતિ જ હોય છે, બંને પાર્ટીઓ માટે એ જરૂરી છે કે એ પરિણામ જલ્દી આવે, નહિ તો મારું માન દોસ્ત! નુકસાન બંને ને છે. અગ્નિપથ પર ચાલવા ના શોખ હોય તો જીવતેજીવ બળતરા અને છેલ્લે મોત જ આવે છે. અને હા, કોઈ ને ગમ્મે એટલી કડવી વાત કહેવાની હોય કહી નાખ, તારા તરફ થી સહુથી મોટી કસરત એ જ રહેશે કે તારે એ વાત માંથી ઝેર કાઢી નાખવાનું છે. “સાવ ઓઘરા જેવી લાગે છો” એવું એવું કડક ભાષામાં કહીશ તો એ એની હેર સ્ટાઈલ બદલાવી દેશે, સાથે સાથે તારા માટે ના વિચારો પણ. એના બદલે ખાલી એટલું કહીશ કે “આ હેર સ્ટાઈલ બદલી ને જો તો, મારા મતે નવી હેર સ્ટાઈલ માં વધારે સારી લાગીશ. સુઉં કિયો છો???” આવું કહીશ એટલે તારું માન વધશે, તારી સેન્સ ઓફ હ્યુમર નો પરચો મળશે 😉 …. વગેરે વગેરે. સારા શબ્દો વધી ને ઇગ્નોર થશે પણ યાદ રાખજે, તારી માટે કડવાશ પેદા થાય એ ચાન્સ બહુ ઓછા છે. એટલે જ કહું છું દોસ્ત! નેગેટીવીટી ની નજીક ન જા. 🙂

પ્રભુ આ નેગેટીવીટી મન પર હાવી થાય છે, દુર્યોધન ની જેમ ખબર છે કે શું ખોટું છે છતાય એ કરવાની ઈચ્છા થાય છે, ખબર છે કે છેલ્લે તો બળતરા જ થવાની છે પણ..

નેગેટીવીટી હોમર ની ઓડીસી માં આવતી પેલી ગાતી જળપરીઓ જેવી હોય છે… તમને ખબર છે કે એ તમારા માટે લાભદાયક નથી, પણ તોય તમે એના તરફ ખેચાતા હો છો. સ્ટાર વોર્સ માં જેડ્ડાઈ યોધ્ધાઓ હંમેશા ફોર્સ ના બેલેન્સ વિષે વાત કરતા પરંતુ એના સહુથી સારામાં સારા યોદ્ધા ઓ ને ડાર્ક સાઈડ તરફ જતા રોકી શક્યા નહોતા. કેમ?, કેમકે નેગેટીવીટી તમને એ વસ્તુ આપે છે જે આપણી વિશ લીસ્ટ માં કોઈ ને કોઈ રૂપે રહેલી હોય છે, મહત્વ, મોટાઈ, ઉપર ની ખુરશી વગેરે વગેરે વગેરે…… પણ એની જે કિંમત વસુલાઈ ગઈ છે એ પછી ક્યારેય આવવાની નથી, પણ જ્યાં સુધી તમે એને યાદ કરશો ત્યાં સુધી ચામડી ની નીચે થી હજારો ટાંકણીઓ એક સાથે ભોકાવાની છે.

તમે એનાકીન સ્કાયવોકર કે રાવણ જેવા જીનીયસ હશો, પણ એક વાર ડાર્ક સાઈડ તરફ ગયા એટલે તમારો દીકરો જ તમારો સ્વીકાર નહિ કરે, કે તમારો ભાઈ જ તમારી સામે થશે. બાકી તમારી પ્રાયોરીટી તમને મુબારક.

આ પ્રાયોરીટી શબ્દ માં આપણને અલંગ આવે છે પ્રભુ. તમે હંમેશા એવા લોકોનેજ પ્રાયોરીટી આપી છે જે તમારી ભક્તિ માત્ર પોતાના પાપ છુપાવા કરે છે, એન્ડ ફોર ધેટ મેટર તમે તમારા કેટલાક પોટેન્શિયલ ભક્તો ને નાસ્તિક બનતા નથી રોકી શક્યા, જેનો એક દાખલો હું પોતે છું, યાર તમે તો જીસસ કે ગાંધી ને પણ બળતરા આપી છે તો અમારી જેવા કઈ ખેત ની મુળી?  😦


હું જે રીતે લોકો મને ગણે છે એવો દેખાઉં છું એનું એક કારણ આ ય છે. જે મને ગણતા નથી એનોય હું છું.અને જે ગણે છે એનોય હું છું.પણ હું જેને ટેસ્ટ કરું છું એ ડેફીનેટલી મારો જ  છે.જેનો ટેસ્ટ થાય છે એ કૈક ને કૈક મેળવે છે,માંગ્યા વગર. તમે સો કોલ્ડ આસ્તિક હો, સાચા આસ્તિક હો, સો કોલ્ડ નાસ્તિક હો કે સાચા નાસ્તિક હો, એ મારી જવાબદારી છે કે તમને તમારી લાયકાત નું બધું મળી રહે. હું આપવા જ બેઠો છું.પણ તમે જ ચમચી લઈને આવો તો શું કરું હું?તમને ગ્રેજ્યુએશન તો શું પી એચ ડી નું સર્ટીફીકેટ પણ મળી જાય, પણ એના માટે કૈક આપવું તો જોઈએ ને, બાકી તમે પૈસા આપો તો નકલી સર્ટીફીકેટ મળે અને પરીક્ષા આપો તો અસલી. સીધું ને સટ. હું કોઈ ને નાસ્તિક કે આસ્તિક બનાવતો નથી, તમારા ઉપર આવા કોઈ લેબલ લગાવ્યા પણ નથી અને લગાવતો પણ નથી. મારા માટે તમે બધા સરખા જ છો. ઉલટા ના આ નાસ્તિક બની ચુકેલા પોટેન્શિયલ ભક્તો મારી વધારે નજીક હોય છે.

એ કઈ રીતે?


પોતાના પાપ છુપાવવા કરેલી ભક્તિ હંમેશા અમને અંદર થી બાળે છે, હું તમને એમ નથી કહેતો કે મંદિરે આવો, તેલ ચડાવો, છપ્પન ભોગ ધરાવો. તમે આવું કરતા હો તો હું ના ય નથી પાડતો, પણ ઘરના છોકરા ને ઘંટી ય ચાટવા ન મળે તો મને આટાવાળા ઉપાધ્યાય થવામાં સહેજ પણ રસ નથી. તમે મંદિરે જ આવતા હો અને રસ્તા માં કોઈ ને અણી ના સમયે લીફ્ટ આપી ને સમયસર પેલા ને પહોચાડી દો અને મંદિરે ન અવાય તો મને ખોટું નહિ લાગે, ઉલટાનો આનંદ થશે. 🙂  મારી માળા ૫ વાર ને બદલે ૩ વાર જ ફેરવજો, ૨ માળા નો જેટલો સમય વધે એમાં તમે તમારા સંતાનો ને, તમારા જીવનસાથી ને ક્વોલીટી સમય આપો, એ ય બહુ આપતા હો તો તમારી જાત ને અને એય આપતા હો તો સમાજ ના વિકાસ માં આપો. તમારા નાસ્તિકો બાબતે એ શાંતિ છે કે તમારે મારી પાછળ એટલો સમય બગાડવો નથી પડતો, અને જો તમારે સીધી રીતે જીવવાની ઈચ્છા હોય તો તમને એમાં હું નથી નડતો. અને વળી એ મારા પોટેન્શિયલ ભક્તો જ હોય છે. એટલે નીતિ અને શું સાચું છે એનું પાલન કરવું એ એની પ્રાયોરીટી હોય છે. અને કંસ હોય કે કાલિદાસ, કોઈ ખોટું કરતુ હોય તો એને રોકવાની ટ્રાય તો હું કરું જ છું. બસ મારા તરીકા અને તકાજા અલગ હોય છે,પણ એ હશે ડંકે કી ચોટ પર એની ધરપત રાખવાની. 😉

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

“ઓ સાહેબ!! ચા.”

ખબર નહિ, બરીસ્તા ના કોફી ટેબલ માંથી ચા ની લારી ના બાંકડે પાછો કઈ રીતે આવી ગયો? કૃષ્ણ ક્યાં ગયા? હું ક્યાં આવી ગયો? હું ક્યાં ગયો હતો? બસ એટલી ખબર હતી કે કેટલીક બળતરા હતી, અને કોઈક સાંભળવાવાળું હતું……….

%d bloggers like this: